ભરૂચ :
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવી ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાની પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરતું હોવાનો આક્ષેપ કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કોંગ્રેસના દક્ષિણ ઝોનનાં ઇન્ચાર્જ ચારુલતા ટોક્સેએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, દેશભરમાં આશરે 65 લાખ મતદારોનાં નામ કમી કરાયાં હોવાનો મુદ્દો ગંભીર છે. આ પ્રક્રિયામાં કોઈ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પારદર્શિતા જાળવવાની અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે કમી કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને દરેક લાયક નાગરિકને મતદાનનો બંધારણીય અધિકાર મળે તે સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પણ દોહરાવવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાનું આયોજન છે. મતદાર યાદી અને મતાધિકાર સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને આંદોલનને વધુ વેગ આપવાની પણ વાત કરવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારોના મુદ્દે કોંગ્રેસે પોતાની રજૂઆત સાથે ચૂંટણી પંચ સામે વિરોધ નોંધાવ્યો હતો.
