ભરૂચ.
ભરૂચ જિલ્લાના કંબોલી ગામે ખેતરમાં પાણી વાળવા માટે નહેરની કુંડીમાં પાઇપ લગાવવાની બાબતે થયેલા જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂત પર પિતા-પુત્રએ હુમલો કરતાં પાવડાના લોખંડના ભાગથી માથામાં ઈજા પહોંચી હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલી ખેડૂતની પત્ની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કંબોલી ગામની નવીનગરીમાં રહેતા એહજાઝ ઉસ્માન વોરા પટેલ (ઉં.વ. 35) ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના ઠીકરિયા વગામાં તેમની દોઢ વીઘા જમીન આવેલી છે અને બાજુમાં ત્રણ વીઘા જમીન ગણોતે રાખીને ખેતી કરે છે. બે દિવસ અગાઉ ખેતરમાં પાણી વાળવા માટે તેમણે નાની નહેરની કુંડીમાં પોતાનો પાઇપ લગાવ્યો હતો. આ દરમિયાન બાજુના ખેતરમાં ખેતી કરતા રતિલાલ પહાડસંગ વસાવાએ તેમનો પાઇપ હટાવી પોતાનો પાઇપ લગાવતાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
દરમિયાન ગત તા. 1 નવેમ્બર 2026ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં એહજાઝભાઈ પત્ની સાથે ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે વખતે કુંડીમાંથી તેમનો પાઇપ નીકળેલી હાલતમાં હતો. તેઓ ફરીથી પાઇપ લગાવવા જતાં રતિલાલ વસાવા અને તેમનો પુત્ર કૌશિક ત્યાં આવી ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારબાદ રતિલાલે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કૌશિકે હાથમાં રહેલો પાવડો વીંઝતાં તેનો ગોળ લોખંડનો ભાગ એહજાઝભાઈના માથામાં વાગ્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર પડી ગયા હતા.
પત્ની છોડાવવા વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. પિતા-પુત્રએ ફરીથી માર માર્યો અને કુંડીમાં પૂછ્યા વગર પાઇપ લગાવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, રતિલાલની પત્નીએ વચ્ચે પડી વધુ મારમાંથી બંનેને છોડાવ્યા હતા.
બાદમાં પિતરાઈ ભાઈ મુબારકને જાણ કરતાં તેઓ ખાનગી વાહનમાં પાલેજ સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એહજાઝભાઈ સારવાર હેઠળ છે. આ મામલે તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
