ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીમાં વચ્ચે પડેલા આધેડને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, એક શખ્સે આધેડને ફરીથી આ વિસ્તારમાં આવવા કે બેસવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મળતી માહિતી મુજબ, જૂના બજારની વરજીવન કીકાની ખડકી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દેવેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા (ઉં.વ. 55) ગત તા. 10 નવેમ્બરની રાત્રે આશરે દોઢ વાગ્યાના અરસામાં રણછોડજીના ઢોળાવ નજીક જીતુભાઈ જોષી, તેમના પુત્ર પાર્થ જોષી અને દેવેન્દ્ર પટેલ ઉર્ફે અક્કી સાથે બેઠા હતા. તે દરમિયાન કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે નજીકના ફ્લેટમાં રહેતા સંદીપ રાણાએ પાર્થ જોષીને ફટાકડા વ્યવસ્થિત રીતે ફોડવા જણાવ્યું હતું, કારણ કે ફટાકડા ઘરની અંદર આવી રહ્યા હતા.
આ બાબતે પાર્થ જોષી અને દેવેન્દ્ર પટેલ ઉર્ફે અક્કી ઉશ્કેરાઈ સંદીપ રાણા સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. દેવેન્દ્રસિંહ ઝાલાએ બંને પક્ષને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડા સમય બાદ પાર્થ જોષીએ ઝાલા પાસે આવી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ઝાલાએ ગાળો ન બોલવા અને ઝઘડો ન કરવા કહેતાં પાર્થ જોષીએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ જીતુભાઈ જોષી અને દેવેન્દ્ર પટેલે પણ તેમનો કોલર પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ તેમને છોડાવ્યા હતા. આ દરમિયાન પાર્થ જોષીએ ફરી આ વિસ્તારમાં નહીં આવવા અને નહીં બેસવા, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીમાં ઝાલાને જમણા હાથની કોણીના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. અગાઉ ગણપતિ ઉત્સવ દરમિયાન પણ પાર્થ જોષી સાથે ઝઘડો થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ ઝાલાએ પાર્થ જોષી, જીતુભાઈ જોષી અને દેવેન્દ્ર પટેલ ઉર્ફે અક્કી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
