ભરૂચ :: ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બુટલેગરો વચ્ચે ચાલતા ઝઘડામાં નહીં પડવાની સલાહ આપવી એક યુવાનને ભારે પડી હતી. આ મામલે ઉશ્કેરાયેલા સગા ભાઈએ ઈંટ મારી યુવાનનું માથું ફોડી નાખ્યું હતું. ત્યારબાદ તેના બે મિત્રોએ પણ ભેગા મળી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપીમાં યુવાનની માતા અને બહેનને પણ ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે રાકેશ રણજીત વસાવાએ ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, રાત્રિના સમયે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ભાઈ શ્રવણને કાલુ અને વિશાલ વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં નહીં પડવા સમજાવ્યો હતો. બંનેના વિવાદ સાથે પરિવારને કોઈ લેવાદેવા ન હોવાનું કહેતાં શ્રવણ ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપ છે કે, શ્રવણે નજીકમાં પડેલી ઈંટ ઉઠાવી રાકેશના માથામાં મારી દીધી હતી. આ દરમિયાન શ્રવણના મિત્રો જાલુમ અને કાલુ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્રણેયે ભેગા મળી રાકેશને ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવ દરમિયાન રાકેશની માતા અને બહેન વચ્ચે પડી તેમને છોડાવવા જતાં તેમને પણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે રાકેશે સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
