Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી : 15 નવેમ્બરે નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે; યુવા સંમેલન, દીપોત્સવ, રમતોત્સવ અને આદિવાસી મહિલા સંમેલન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

Share

 

ભરૂચ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. 12થી 18 નવેમ્બર, 2026 દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 15 નવેમ્બર, 1875ના રોજ જન્મેલા ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનની શોષણખોર નીતિઓ સામે આદિવાસી સમાજના હક, જમીન અને અસ્મિતાના રક્ષણ માટે ‘ઉલગુલાન’ જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમનું જીવન અને બલિદાન આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.

મંત્રીશ્રીએ સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. 13 નવેમ્બરે જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં યુવા સંમેલનો યોજાશે. તા. 14 નવેમ્બરે જનજાતીય મહાનુભાવોનાં સ્મારકો અને પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા દીપોત્સવનું આયોજન કરવામાં આવશે. જ્યારે તા. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભા વિસ્તારના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

આ ઉપરાંત તા. 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, તા. 17 નવેમ્બરે પરંપરાગત દેશી ગ્રામીણ રમતોત્સવ અને તા. 18 નવેમ્બરે જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં આદિવાસી મહિલા સંમેલનો યોજાશે. આ કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, પરંપરાગત રમતો, સાંસ્કૃતિક વારસો, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સામાજિક વિકાસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો, આદેશપત્રો અને અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને વન અધિકાર અધિનિયમ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સહિતની યોજનાઓના લાભો અંગે માહિતી આપવામાં આવશે. જિલ્લામાં આદિવાસી સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે અમલી છાત્રાલયો, આશ્રમશાળાઓ, શિષ્યવૃત્તિ, આરોગ્ય, આવાસ અને સામાજિક સહાય જેવી યોજનાઓની જાણકારી પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

સપ્તાહ દરમિયાન ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ, આદિવાસી લોકનૃત્યો, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.

આ ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે સમાજના અધિકારોનું રક્ષણ, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. આ કાર્યક્રમોમાં આદિવાસી સમાજના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોને ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી છે.

પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, અરૂણસિંહ રાણા, ડી.કે. સ્વામી, પ્રાયોજના વહીવટદાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરા કલેકટર કચેરીએ ઓમિક્રોન વાયરસ અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

ProudOfGujarat

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!