વાંકલ : ઉમરપાડા તાલુકાના વાડી ગામે છેલ્લા 39 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી પ્રતિષ્ઠિત ‘ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી સ્પર્ધા-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સહિત પડોશી રાજ્યોની 130થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોમાંચક ફાઇનલ મુકાબલામાં રુસ્તમ કેલાઈની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સ્પર્ધાનો પ્રારંભ ગુજરાત સરકારના રમતગમત મંત્રી જયરામભાઈ ગામીત અને મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દાયકાની પરંપરા જાળવી રાખતી આ સ્પર્ધા આદિવાસી વિસ્તારના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની રહી છે.
આ વર્ષે સ્પર્ધામાં ઉમરપાડા સહિત આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 130થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. અનેક દિવસો સુધી ચાલેલી આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની રમતકૌશલ્ય, ચપળતા, શારીરિક ક્ષમતા અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મેદાનમાં ખેલાડીઓના દાવપેચ અને રોમાંચક મુકાબલાઓને નિહાળવા મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
ટુર્નામેન્ટની અંતિમ અને નિર્ણાયક ફાઇનલ મેચ રુસ્તમ કેલાઈ અને સુરતની ટીમ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, રુસ્તમ કેલાઈની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં વિજય મેળવી સ્પર્ધાનો ખિતાબ હાંસલ કર્યો હતો.
આ ભવ્ય રમતોત્સવનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગાંધીનગર), સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ તથા વાડી ગામના સમસ્ત ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક ગણપતસિંહ વસાવા, નિવૃત્ત ડીવાયએસપી અમરસિંહ વસાવા, ભીમસિંહ વસાવા, સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ રિતેશ વસાવા, સરપંચ ભુપેન્દ્ર વસાવા, હરીશ વસાવા સહિત ગામના યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. 39 વર્ષથી ચાલી આવતી આ પરંપરાગત કબડ્ડી સ્પર્ધાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારની રમતગમતની પ્રતિભા અને પરંપરાને ઉજાગર કરી હતી.
