ભરૂચ: ભરૂચની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતા શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળ જૈન મંદિર તથા કથિત જામી મસ્જિદની મિલકતના માલિકી હક અને સીટી સર્વે રેકર્ડમાં થયેલી નોંધને લઈને વિવાદ ઊભો થયો છે.
આયોજકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારત સરકારની રાષ્ટ્રીય ધરોહર સમાન આ મિલકતના સીટી સર્વે રેકર્ડમાં જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓનાં નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યાં છે અને તેના આધારે ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ મુદ્દે રાષ્ટ્રીય ધરોહરના મૂળ ઐતિહાસિક ચરિત્રના સંરક્ષણની માંગ સાથે વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજે તા.28 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 4 વાગ્યે ભરૂચના શક્તિનાથ મંદિર ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરવામાં આવશે. જ્યાં આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ અને ઐતિહાસિક વારસાના મૂળ ચરિત્રને જાળવવા માટે સર્વે રાષ્ટ્રપ્રેમીઓ અને સનાતનીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
