સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માથા ભારે શખ્શોને ગાળ બોલવા બાબતે ઠપકો આપનાર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ અંગે મળતી વિગત મુજબ સુરતના અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત નવા હળપતિ વાસ મહોલ્લામાં રહેતો અને કલરકામની મજૂરી કામ કરતો શ્રાવણ ઉર્ફે સાવંત પિરાજી શિન્દે પાંચ દિવસ પહેલા પોતાના મિત્ર સાથે ઘરની બહાર બેઠો હતો, ત્યારે તે સમયે ત્યાંથી પસાર થતા અને માથા ભારેની છાપ ધરાવતા બે શખ્શો ગાળાગાળી કરતા હતા શ્રાવણે બંને યુવાનને જાહેરમાં ગાળાગાળી ન કરો એમ કહી ઠપકો આપતા વેંત બંને યુવાનો ઉશકેરાયા હતા, અને શ્રાવણ સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો, અને પેટના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકી દઇ બંને યુવાનો ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં શ્રાવણને તુરંત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પાંચ દિવસની સારવાર બાદ શ્રાવણનું મોત થયું છે, સામાન્ય બાબતે આ યુવાની હત્યાને લઇને સમગ્ર વિસ્તારમાં આ બંને ઈસમો માટે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેને લઇને પોલીસે આ હત્યામાં સંડોવાયેલ દિપુસીંગ દેશરાજસીંગ રાજપુતની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, તેના સાગરિક રવિ બિહારીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૌજન્ય : અકિલા ન્યુઝ