ભરુચ જિલ્લાના ૭ માર્કેટ યાર્ડના ૮૦ ઉપરાંત કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓને લઈ સરકાર સમક્ષ રજૂઆતો કરનાર હોવાનું જાણવા મળ્યુ છે.પ્રાપ્ત વિગતો મુજબ આ કર્મચારીઓએ પોતાની માંગણીઓ હજી પુરી ન થતા પાંચ તબક્કામાં વિરોધ કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. છતાં જો સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય તો આગળ ઉપર પ્રતિક ઉપવાસનો માર્ગ લઇને આંદોલન કરાશે તેવી ચીમકી માર્કેટ યાર્ડ કર્મચારી સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓની સાથે ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, જંબુસર, વાગરા, આમોદ તાલુકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ પણ વિવિધ માંગણીઓ બાબતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ઝઘડીયા સહિતની જિલ્લાની તમામ માર્કેટ યાર્ડના અંદાજીત ૮૦ જેટલા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બાબતે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અટોદરીયાએ જણાવ્યું છે કે સરકાર દ્વારા તા ૬.૫.૨૦ ના રોજ બજારમાં વટહુકમ દ્વારા ૨૬ જેટલા સુધારા કરી તેને અમલી બનાવવામાં આવેલ છે. જેમાં અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિતમાં નથી જેની માર્કેટ યાર્ડના કર્મચારીની આર્થિક સ્થિતિ પર અસર પડે તેમ છે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવા છતાં પણ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે સુધારા મુજબ બજાર સમિતિઓ બજાર વિસ્તારમાંથી માર્કેટ શેષ ફી ઉઘરાવી નહીં શકે જેના કારણે બજાર સમિતિમાં વાર્ષિક આર્થિક ઘટાડો થશે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં ત્રણ રજૂઆતો કરી છે જેમાં (૧) બજાર સમિતિના વિદ્યમાન સ્ટાફ સેલેરી પ્રોટેકશન અને ભવિષ્યમાં મળવાપાત્ર આર્થિક લાભો મળતા રહે તે બાબતે સુનિશ્ચિત કરવું. (૨) બજાર સમિતિના ફાજલ પડનાર ફિલ્ડ સ્ટાફ માર્કેટિંગ ઇન્સ્પેકટરોની સેવા નિયામકશ્રી ના વહીવટી તંત્રના હવાલે મુકવા. (૩) બજાર સમિતિઓના સેક્રેટરીઓની કેડર રાજ્ય સરકાર હસ્તક લેવા બાબત જેવી રજૂઆતો કરી છે. આ બાબતે કર્મચારી સંઘ દ્વારા પાંચ તબક્કામાં સરકાર સામે કાર્યક્રમ આપ્યો છે. જેમાં (૧) પેન ઓન સ્ટ્રાઈક,(૨) દરેક બજાર સમિતિના મુખ્ય બજાર ચોગાનમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન,(૩) જરૂર જણાય તો એક દિવસ બજાર બંધનું એલાન, (૪) જરૂરિયાત ઊભી થશે તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં એક બે દિવસ પ્રતિક ઉપવાસ પર બેસવાનું અને તે દિવસે એપોઇન્ટમેન્ટ મળે તે અનુસાર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, સહકાર મંત્રી અથવા સચિવને રૂબરૂમાં આવેદનપત્ર આપવાનું આયોજન, (૫) અનિવાર્ય જણાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશ્યલ પિટિશન ફાઇલ કરી ન્યાયિક દાદ માંગવામાં આવશે. અને જરૂર જણાય તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘની ત્રણેય માંગણીઓ માનવીય સંવેદનાને ગણીને ધ્યાને લઇ સંતોષવામાં આવે અને માંગણીઓ બાબતે તેમને રૂબરૂ સાંભળવાની તક આપવામાં આવે તો આગામી સમયમાં રાજયભરના બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા નાછૂટકે પાંચ તબક્કામાં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
ભરૂચ જિલ્લામાં માર્કેટ યાર્ડનાં કર્મચારીઓ માંગણીઓ બાબતે આંદોલનનાં માર્ગે.
Advertisement