ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેના સંદર્ભે ભરૂચ એલસીબીની એક ટીમ ખાનગી વાહનમાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નવીનગરીમાં વડ ફળિયામાં રહેતા ચંપક જેસંગભાઈ વસાવાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટિંગનો રૂપિયાની હારજીતનો જુગાર ચાલે છે. જિલ્લા એલસીબીની ટીમે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. છાપામારી દરમિયાન ખુલ્લી જગ્યામાં જાહેરમાં એક બાળકી લાકડાના પાટીયા ઉપર એક બુકમાં કંઈક લખતી હતી અને કેટલાક ઇસમો બાળકીની બાજુમાં બેસેલ એક મહિલાને રૂપિયા આપી બાળકી પાસે કંઈક લખાવતા હોવાનું જણાયુ હતુ. પોલીસને જોઇને નાસભાગ થવા લાગેલી. બાળકી તથા તેની બાજુમાં બેસેલ રૂપિયા લેનાર મહિલાને સ્થળ ઉપર રોકી લીધેલ. જયારે કેટલાક ઇસમો આ દરમિયાન ભાગી ગયા હતા. એલસીબી ટીમે રોકડા રૂ.૨૫,૩૨૦ તથા એક મોબાઇલ મળીને કુલ રુ. ૩૫,૩૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જિલ્લા એલસીબીએ આ અંગે ઉમલ્લા પોલીસ મથકમાં દશરથભાઈ રહે. ઇન્દોર, ચંપક જેસંગભાઈ વસાવા, સુરેખા ચંપકભાઈ વસાવા અને એક સગીરબાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ