આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વેપારીઓને કોરોનાની ફરજિયાત રસી મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ધંધા-રોજગાર સાથે જોડાયેલા વેપારી-કર્મચારીઓએ 31મી જુલાઇ સુધી ફરજિયાત વેક્સિન લેવાની રહેશે. આ રવિવારે ખાસ કિસ્સામાં વેપારી-કર્મચારીઓને રસી આપવામાં આવશે. સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં તમામ વેપારી-કર્મચારીઓને આ રવિવારે વેક્સિન આપવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેકસિન આપવાનું કામ મોટા પ્રમાણમાં ચાલું છે. 2 કરોડ 31 લાખ લોકોને પહેલો ડોઝ અપાયો છે. 70 લાખ લોકોને બીજો ડોઝ આપ્યો છે. 3 કરોડ કરતા વધું લોકોને પહેલો અને બીજો ડોઝ આપ્યો છે. ભારત સરકારે રાજ્યનાં વધારાનો વેક્સિન ડોઝ આપ્યો છે. આજે 15 લાખ વેકસિન ડોઝ ઉપલબ્ધ છે. રવિવારે અને બુધવારે વેકસિન આપતાં નથી, તે અંગે અગાઉ જાહેરાત કરી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.73 ટકા થયો છે.
વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.