સુરત જિલ્લા પત્રકાર સંઘના “ચતુર્થ દશાબ્દિ મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે અને સુરત જિલ્લા પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ(સૂચિત)ના લાભાર્થે પત્રકાર સંઘ દ્વારા આગામી નવેમ્બર માસમાં ભગવાન શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રેસિડન્ટ જગદીશ હળપતિ, વાઇસ પ્રેસિડન્ટ ઇલ્યાસ શેખ અને જનરલ સેક્રેટરી જગદીશ પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, સુરત જિલ્લા પત્રકાર સંઘની સ્થાપના સને-1981 માં થઈ હતી. આગામી નવેમ્બર માસમાં સંઘ તેની સ્થાપનાના 40 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે. જેથી સંઘ ચાલુ વર્ષે “ચતુર્થ દશાબ્દિ મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે દક્ષિણ ગુજરાતના પત્રકારોની એક દિવસની શિબિર યોજી સંઘની 40 વર્ષની વિકાસ ગાથા રજુ કરતા “પ્રજા પ્રહરી” સુવેનિયર અંકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરનાર છે. જયારે સંઘના સભ્યો જિલ્લાના વિવિધ અખબારોમાં વિનામૂલ્યે પત્રકારત્વ દ્વારા માનદસેવા આપી રહ્યા હોવાથી પત્રકારો અને તેના પરિવારજનોના કલ્યાણ માટે જિલ્લા પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ બનાવવાનો વિચાર-વિમર્શ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યો હતો. જે સદ્દવિચારને સંઘની ગત વા.સા.સભામાં મંજૂરી આપવામાં આવી હતી. જેથી સુરત જિલ્લા પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટના લાભાર્થે સંઘ દ્વારા આગામી નવેમ્બર માસમાં મંગળવાર, તા-9-11-2021 (લાભપાંચમ)થી બુધવાર, તા-17-11-2021 દરમ્યાન બારડોલી પ્રદેશ મુકામે નવ દિવસ “શ્રી રામકથા” યોજાનાર છે.
આ કથાના વક્તા તરીકે વ્યાસપીઠ પરથી ખેરગામના પ્રખ્યાત કથાકાર પૂ.પ્રફુલભાઈ શુકલની અમૃત વાણીનો લાભ મળશે. આ કથાના ભાગરૂપે ગત શુક્રવાર, તા-10 ગણેશ ચતુર્થી’ ના શુભ દિને સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રેસિડેન્ટ જગદીશ હળપતિ,જનરલ સેક્રેટરીશ જગદીશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તુષાર નાયક, સંઘના સભ્ય હિતેશ માહ્યાવંશી, ભાવિરાજસિંહ બારસડીયા તથા કથાના શુભેચ્છક સનતકુમાર રમેશચંદ્ર દેસાઈએ કથાકાર પૂ.પ્રફુલ્લભાઈ શુક્લના ખેરગામ નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સંત પૂ.પ્રફુલ્લભાઈ શુક્લજીના વરદ્દહસ્તે કથાના શુકનરૂપે “શ્રીફળ મુહૂર્ત” સંપન્ન કરવામાં આવ્યું હતું.સંઘના પ્રેસિડેન્ટ જગદીશ હળપતિએ વધુ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક કથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય, સામાજિક, ધાર્મિક અને સહકારી આગેવાનો સાથે સમગ્ર બારડોલી પ્રદેશના શ્રોતાજનો ઉપસ્થિત રહી “શ્રી રામકથા” શ્રવણનો લાભ લેશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ