ભરૂચ જિલ્લામાં વિવિધ બેંકના એ.ટી.એમ. હવે તસ્કરો પોતાના નિશાને લઇ રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર એક ખાનગી બેંકના એ.ટી.એમ. ને તોડવાનો ગતરોજ નિષ્ફળ પ્રયાસ થયા બાદ વધુ એક ઘટના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપળા રોડ પર વિજય નગર પાસે આવેલ AXIS બેંકના એ.ટી.એમ. ને અજાણ્યા બુકાનીધારી ઈસમે નિશાન બનાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમગ્ર ઘટનામાં આપવામાં નિષ્ફળ જતા ધોયેલા મોઢે પરત ફર્યો હતો, અજાણ્યા બુકાનીધારી તસ્કરની તમામ હરકત એ.ટી.એમ. માં લાગેલ સીસીટીવી માં કેદ થતા બેંકના સંચાલકો દ્વારા ફૂટેજની મદદથી પોલીસ ફરિયાદની તજવીજ હાથધરી છે.
મહત્વની બાબત છે કે રાત્રીના સમયે અને બેંકો બંધ હોય તેવા સમયે એ.ટી.એમ. તોડી ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરો જિલ્લામાં સક્રિય બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, હાલ તો તમામ ઘટનાઓમાં તસ્કરો નિષ્ફળ સાબિત થયા છે પરંતુ જો ઘટનાને અંજામ આપી દીધો હોત અને રોકડ રકમ પર હાથફેરો કર્યો હોત તો બેંકને મોટું નુકશાન પહોંચે તેવી સ્થિતિનું સર્જન થયું હોત તેવી ચર્ચાઓ ઘટના ક્રમ બાદ લોકો વચ્ચે વહેતી થઈ હતી.