ભરૂચ.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાન ઉમેદવારનું અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કરછન તાલુકાનો રહેવાસી 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતી માટે યોજાયેલી દોડ પરીક્ષા પૂર્ણ કર્યા બાદ અચાનક અસ્વસ્થ થયો હતો. તબિયત લથડતાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું બન્યું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફરી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ દુઃખદ ઘટનાએ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની સલામતી અને આરોગ્ય વ્યવસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
