Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાના બ્લેકહોલ કેવી રીતે મસમોટા બન્યા? ભરૂચના યુવા સંશોધક દક્ષલ મહેતાએ ઉકેલ્યું રહસ્ય, રિસર્ચ પેપર ‘નેચર એસ્ટ્રોનોમી’માં પ્રકાશિત

Share

 

ભરૂચના યુવા સંશોધક અને આયર્લેન્ડની મેનૂથ યુનિવર્સિટીના ડોક્ટરેટ સંશોધક દક્ષલ મહેતાએ બ્લેકહોલના વિકાસ અંગેનું મહત્વનું રહસ્ય ઉકેલતું સંશોધન કર્યું છે. તેમનું રિસર્ચ પેપર વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જર્નલ Nature Astronomy (નેચર એસ્ટ્રોનોમી) માં પ્રકાશિત થયું છે, જેને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયમાં મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

Advertisement

દક્ષલ મહેતાના સંશોધન દ્વારા બ્રહ્માંડની રચના સમયે પેદા થયેલા તારાઓ અને મહાકાય બ્લેકહોલ વચ્ચેની ખૂટતી કડી શોધી કાઢવામાં આવી છે, જે બ્લેકહોલના અભ્યાસમાં એક મોટું યોગદાન છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે આ પ્રશ્ન અકબંધ રહ્યો હતો કે નાના બ્લેકહોલ કેવી રીતે ઝડપથી વિકસી ને મસમોટા (સુપર-માસિવ) બન્યા.

મેનૂથ યુનિવર્સિટીના ડો. જ્હોન રેગન અને ડો. લુઈસ પ્રોલના માર્ગદર્શન હેઠળ કરાયેલા આ સંશોધન મુજબ, બિગબેંગ પછીની અસ્તવ્યસ્ત પરિસ્થિતિઓમાં પ્રથમ નાના બ્લેકહોલ જન્મ્યા હતા. તેમની આસપાસના તારાઓ અને પદાર્થોને ગળી જવાની પ્રક્રિયા દ્વારા તેઓ ઝડપથી વૃદ્ધિ પામતા ગયા. બ્લેકહોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રચંડ હોય છે કે પ્રકાશ પણ તેમાં થી બચી શકતો નથી, જેના આધારે તેની હાજરી ઓળખવામાં આવે છે.

અત્યાધુનિક કમ્પ્યુટર સિમ્યુલેશનના આધારે કરાયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિગબેંગ પછીના કેટલાક કરોડ વર્ષોમાં જ કેટલાક બ્લેકહોલ આપણા સૂર્ય કરતાં હજારો ગણાં મોટા બની ગયા હતા. દક્ષલ મહેતાના જણાવ્યા અનુસાર, “આ નાના બ્લેકહોલ અગાઉ એટલા નાનાં માનવામાં આવતા હતા કે તેઓ વિશાળ બ્લેકહોલ બની શકે નહીં, પરંતુ યોગ્ય પરિસ્થિતિઓમાં તેઓ અદભુત ઝડપે વિકસી શકે છે.”

સંશોધન ટીમના સભ્ય અને મેનૂથ યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ ફેલો ડૉ. લુઈસ પ્રોલે જણાવ્યું કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાના અભ્યાસથી આ રહસ્ય ઉકેલવામાં મહત્વપૂર્ણ મદદ મળી છે.

આ સંશોધનના પરિણામો 2035માં લોન્ચ થનારી યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને નાસાની સંયુક્ત LISA (Laser Interferometer Space Antenna) મિશન માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે.

ભરૂચના યુવા વૈજ્ઞાનિક દક્ષલ મહેતાની આ સિદ્ધિએ ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર ભારતનું નામ વૈશ્વિક વૈજ્ઞાનિક મંચ પર ગૌરવથી ઉજાગર કર્યું છે.


Share

Related posts

પાદરામાં વડોદરા જિલ્લાનો ત્રીજો આયુષ મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું.

ProudOfGujarat

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!