કેન્દ્ર સરકારના 2025–26 અને 2026–27ના બજેટના આંકડાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે સરકાર આર્થિક સફળતાના દાવા વાસ્તવમાં તીવ્ર ખર્ચ કાપછાંટ દ્વારા કરી રહી છે એમ ગુજરાત પ્રદેશ કોગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે.
વર્તમાન વર્ષ 2025–26માં બજેટ અંદાજપત્ર (BE)ની સરખામણીમાં સુધારેલા અંદાજપત્ર (RE) મુજબ
આવકમાં ₹78,086 કરોડનો ઘટાડો થયો છે,
શુદ્ધ કર આવકમાં ₹1,62,748 કરોડ ઓછા થયા છે,
કુલ ખર્ચમાં ₹1,00,503 કરોડની કાપછાંટ કરવામાં આવી છે,
જ્યારે કેપિટલ ખર્ચમાં ₹1,44,376 કરોડ જેટલો મોટો ઘટાડો થયો છે.
ચિંતાજનક બાબત એ છે કે આ કાપછાંટ સૌથી જરૂરી લોકો ને સ્પર્શતા ક્ષેત્રોમાં કરવામાં આવી છે.
આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં હજારો કરોડો રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.
જળ જીવન મિશન હેઠળ ₹50,000 કરોડની કાપછાંટ એ સમયે કરવામાં આવી છે જ્યારે દેશના અનેક વિસ્તારોમાં દૂષિત પીવાના પાણીથી લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે.
વિશેષ રીતે SC, ST અને OBC વર્ગો માટેની યોજનાઓમાં કરાયેલી કાપછાંટ સામાજિક ન્યાય પર સીધો પ્રહાર છે
પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ, આદિવાસી વિકાસ કાર્યક્રમો અને યુવાન વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપમાં મોટો ઘટાડો કરી સરકાર પોતાની સાચી માનસિકતા જાહેર કરી રહી છે.
આગામી વર્ષ 2026–27 માટે પણ પાક વીમા યોજના, યુરિયા સબસિડી, ગરીબ કલ્યાણ અનાજ યોજના, રક્ષા ક્ષેત્રની મહત્વપૂર્ણ યોજનાઓ અને ગરીબ પરિવારને એલપીજી કનેક્શન જેવી યોજનાઓમાં ઓછું ફંડ રાખવામાં આવ્યું છે.
સરકાર 4.4%ના રાજકોષીય ઘાટા પર ગૌરવ અનુભવે છે, પરંતુ આ આંકડો લોકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્યની કિંમત પર હાંસલ કરાયો છે.
આવકમાં ઘટાડો અર્થતંત્રમાં વ્યાપક સુસ્તીનો સંકેત છે, જેને સરકાર સ્વીકારવા તૈયાર નથી.
FY27 માટે જાહેર કરાયેલ ₹17.14 લાખ કરોડનું કેપેક્સ વિશ્વાસ ઉભો કરતું નથી, કારણ કે અગાઉના બજેટોમાં અને વર્તમાન વર્ષે કેપિટલ ખર્ચમાં થયેલી મોટી કાપછાંટ સૌ કોઈએ જોઈ છે.
આ બજેટ “સમુચિત વિકાસ” નહીં પરંતુ “વિકાસથી વંચિત કરનારું” બજેટ છે.
