ખાડાને કારણે કે અન્ય કોઈ કારણસર અચાનક બ્રેક મારવાથી રીક્ષા પલટે તો બાળકોના જીવને જોખમ
શાળા સંચાલકો, આરટીઓ તથા પોલીસ વિભાગ એકશનમાં આવે તેવી માંગ
ભરૂચ.
ભરૂચ શહેરમાં જીવના જોખમે શાળાના વિદ્યાર્થીઓ મુસાફરી કરતાં હોવાના દશ્યો જોવા મળી રહ્યાં છે. એક જ રીક્ષામાં ૨૦થી ૨૨ બાળકોને ખીચોખીચ ભરીને લઈ જતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે. આરટીઓના નિયમોનો છડેચોક ભંગ થવા સાથે બાળકોના જીવને જોખમમાં મુકવાની ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ વિડીયોને લઈને શાળા સંચાલકો, આરટીઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા આવા વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
ભરૂચ શહેરમાં ફરતી સ્કૂલ રીક્ષાઓમાં બેસેલાં વિદ્યાર્થીઓની સલામતીને જાહેરમાં જોખમમાં મુકવામાં આવ્યા હોવાનો દ્રશ્યો જોવા મળ્યાં છે. શહેરમાં એક રીક્ષામાં અંદાજે ૨૦થી ૨૨ છાત્રોને ખીચોખીચ અને જોખમી રીતે બેસાડીને એક રીક્ષા ચાલક શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. રીક્ષામાં આટલાં વિદ્યાર્થીઓ હોવા છતાં ચાલક બિન્દાસ્ત પણે રીક્ષા હંકારી રહ્યો હતો. આસપાસમાંથી મોટા વાહનો જતાં હોવા છતાં કોઈ પણ પરવાહ કર્યા વિના રીક્ષા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં ખાડો, જાનવર આવવાને કારણે કે પછી અન્ય કોઈ કારણસર ચાલકને અચાનક બેક મારવી પડે તો રીક્ષા પલટી જાય તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી. રીક્ષામાં આટલાબધા છાત્રોને ઘેંટાબકરાની જેમ ભરેલાં હોવાથી કોઈ બાઈક પોતાનો જીવ ગુમાવે તેવી શક્યતાને નકારી શકાય નહીં. ત્યારે શહેરમાં સ્કુલ રીક્ષામાં નિયમાનુંસાર બાળકોને લાવવા-લઈ જવા સાથે રીક્ષામાં આપાતકાલિન સ્થિતીને લઈને જરુરી સુવિધા રાખવા તથા બાળકોની સુરક્ષાને લઈને જાળી લગાવવામાં આવે તેવી માગ ઉઠી છે. આવા વિડીયો વાયરલ થવાને કારણે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. તેમજ શાળા સંચાલકો, ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગની જવાબદારી અંગે પણ પ્રશ્નો ઉઠયાં છે. સ્કુલ રીક્ષામાં નિયમાનુંસાર જ બાળકોને લઈ જવામાં આવે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
