ભરૂચ
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અંકલેશ્વર તાલુકાની નવા બોરભાઠા અને સરફુદ્દીન ગ્રૂપ ગ્રામ પંચાયતમાં પૂર્ણકાલીન સચિવ પી.પી. મોકાશીની ઉપસ્થિતિમાં લીગલ એઇડ ક્લિનિકનો પ્રારંભ કરાયો હતો.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા દ્વારા જાગ્રીતી યોજના 2025 મુજબ સમાજના નબળા અને વંચિત વર્ગોને તેમના કાનૂની અધિકારો પ્રત્યે સજાગ કરવાનો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ, ગરીબ અને શ્રમિક વર્ગને કાનૂની જ્ઞાન આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસનો યોજનાનો હેતુ રહેલો છે.
ગુજરાત રાજ્યમાં નાલસા જાગ્રીતી સ્કીમનો અમલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિઓ મારફતે સઘન રીતે કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં 39 સ્થળોએ લીગલ એઇડ ક્લિનિક કાર્યરત કરવામાં આવનાર છે. અંકલેશ્વર તાલુકામાં જેના ભાગરૂપે નવા બોરભાઠા , સરફદ્દીન ગ્રૂપ ગ્રામ પંચાયતમાં DLSA ભરૂચના સચિવ પી.પી. મોકાસી દ્વારા સરપંચ સહિતની ઉપસ્થિતિમાં લીગલ એઇડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું હતું.
જિલ્લાના છેવાડાના વિસ્તારો, ગામોમાં કાનૂની જાગૃતિ ફેલાવાના હેતુસર લીગલ એઇડ ક્લિનિક કાર્યરત થતા ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય ઘર આંગણે જ નજીકમાં મળી રહેશે. આ કલીનીક શરૂ થતા છેવાડાના ગામોમાં વસતા આદિવાસી, શોષિત, વંચિત, ગરીબ અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગૃતતા, સરકારી યોજનાની માહિતી, માર્ગદર્શન અને મદદ સાથે ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત થઈ શકશે. સાથે યોજનાનો મુખ્ય ઉદ્દેશ સાકાર થશે.
