પાલેજ પોલીસ ગત રોજ નિયમિત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વલણ ગામેથી એક ટ્રકમાં પશુઓ ભરી મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ તરફ કતલ માટે લઈ જવાઈ રહ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે પંચોને સાથે રાખી વલણ ફાટક પાસે રોડ પર વોચ ગોઠવી હતી.
થોડા સમય બાદ બાતમી મુજબનો ટ્રક વલણ ફાટક તરફથી આવતા નજરે પડ્યો હતો. ટ્રક ચાલક ગફલતભેર વાહન હંકારી રહ્યો હોવાથી પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ક્લીનર પાસે ટ્રકમાં શું ભરેલું છે તે અંગે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા ટ્રકની સઘન તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાં ટૂંકા દોરડાથી બાંધી રાખેલા કુલ 16 પશુઓ ખીચોખીચ ભરેલા મળ્યા હતા. ડ્રાઈવર તરીકે નાસીર સિંધી (રહે. બામણોર, જિલ્લો બાડમેર) અને ક્લીનર તરીકે શેર ખાન સિંધી (રહે. બલિશર, વલણ ગામ) હોવાનું સામે આવ્યું હતું. જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં તેઓ નિષ્ફળ જતા પોલીસે 16 પશુઓ, જેઓની અંદાજિત કિંમત ₹2.40 લાખ છે, તેમજ ટ્રક મળી કુલ ₹9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પશુઓ કરજણ તાલુકાના વલણ ગામના ફૈયાઝ લખોટી દ્વારા ભરાવવામાં આવ્યા હોવાનું અને તેને મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાના હોવાનું ખુલ્યું હતું.
બાદમાં તમામ પશુઓને સુરક્ષિત રીતે ભરૂચ સ્થિત જે.બી. મોદી પાર્ક પાસે આવેલી પાંજરાપોળ ખાતે રાખવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પાલેજ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
