ભાડભૂત બેરેજ માટે ₹૧૭૦૦ કરોડ, દહેજ-સાયખા GIDCમાં CETP માટે ₹૫૦ કરોડ, એરપોર્ટ વિસ્તરણ અને પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓની જાહેરાત
ભરૂચ : ગુજરાત વિધાનસભામાં બુધવારે નાણાંમંત્રી કનુ દેસાઈએ કુલ ₹૪.૦૮ લાખ કરોડનું રાજ્ય બજેટ રજૂ કર્યું હતું. સતત પાંચમી વખત રજૂ કરાયેલા આ બજેટમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે અંદાજે ₹૨ હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જે જિલ્લામાં ઉદ્યોગ, કૃષિ, પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસને ગતિ આપશે.
બજેટમાં ભરૂચના મહત્ત્વાકાંક્ષી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી ભાડભૂત બેરેજ યોજના માટે ₹૧૭૦૦ કરોડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ યોજના ખેતી, પીવાના પાણી, ઉદ્યોગો અને પર્યાવરણ માટે લાંબા ગાળે પરિવર્તનકારી સાબિત થશે. બેરેજના અમલીકરણથી દહેજ અને ભરૂચના ઉદ્યોગોને મીઠાપાણીની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ નર્મદા નદીમાં ખારાશની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે.
ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા દહેજ-સાયખા ઔદ્યોગિક વસાહતોમાં CETPમાટે ₹૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આથી ઉદ્યોગોના ગંદા પાણીના સંચાલન અને પર્યાવરણ સંરક્ષણને બળ મળશે. સાથે જ અંકલેશ્વર ક્લસ્ટરમાં ડેડિકેટેડ કેમિકલ પાર્ક સ્થાપવાની પ્રસ્તાવના પણ રજૂ કરવામાં આવી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભરૂચ-દહેજ માર્ગને એક્સપ્રેસ-વે તરીકે અપગ્રેડ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. અંકલેશ્વરના માંડવા નજીક નિર્માણાધીન એરપોર્ટના વિસ્તરણ માટે પણ બજેટમાં પ્રાવધાન કરાયું છે, જેનાથી વિસ્તારમાં ઔદ્યોગિક તથા વ્યાપારી ગતિવિધિઓને ગતિ મળશે.
પર્યાવરણ સંરક્ષણ માટે નર્મદા નદીના બંને કાંઠે જમીન ધોવાણ અટકાવવા વિશાળ પાયે વૃક્ષારોપણ હાથ ધરાશે. ઉપરાંત નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે આરામગૃહ, પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી સુવિધાઓ માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવી છે.
ભરૂચને સુરત ઈકોનોમિક રિજનના ભાગરૂપે હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ હબ તરીકે વિકસાવવા દિશામાં પણ બજેટમાં પ્રાવધાનો કરવામાં આવ્યા છે. ક્લીન એર પ્રોગ્રામ હેઠળ પર્યાવરણ સુધારણા કામગીરી અમલમાં મૂકવામાં આવશે.
આમ, રાજ્યના બજેટમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પર્યાવરણ, કૃષિ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી કરાયેલ ફાળવણીથી જિલ્લામાં વિકાસને નવી દિશા મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
