અત્રે ઉલ્લેખનિય છે કે, હિરલ પ્રવિણ વસાવા વર્ષોથી વિદેશીદારૂનો વેપલો કરે છે. વર્ષ 2024માં ભરૂચ રેલવે સ્ટશેનના રેલવે સ્ટાફ ક્વાટર્સ પાસે પતરાની ઓરડીમાં વિદેશીદારૂનો સંગ્રહ કરવાના કારસામાં હિરલ પ્રવિણ વસાવા તેમજ ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડિયાની ધરપકડ કરાઇ હતી. ટીમે જેતે સમયે અંદાજે 68 હજારથી વધુની મત્તાની 18-20 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે વર્ષોથી શહેરના કેટલાંક બુટલેગરો ભરૂચ રેલવે સ્ટેશનમાં રેલવે મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યારે આ બુટલેગરો છાનામાના દારૂની હેરાફેરી કરે છે કે પછી રેલવે પોલીસની રહેમનજર છે તે અંગે તર્કવિતર્ક સર્જાયાં છે. બીજી તરફ ભરૂચ એ ડિવિઝન, એલસીબી સહિતની ટીમો દ્વારા રેલવેમાંથી દારૂ લાવતાં બુટલેગરોને ચોક્કસ બાતમીના આધારે ઝડપાી પાડવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા રેલવે સ્ટેશનના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો બુટલેગરો સાથે અન્યકોઇની સાંઠગાંઠ છે કે કેમ તેની સ્પષ્ટતા થઇ શકે તેમ છે જોકે, સ્થાનિક પોલીસ દ્વારા તેમ કેમ કરાતું નથી તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
રેલવે મારફતે મુંબઇથી વેચાણ માટે લાવેલાં 31 હજારના દારૂ સાથે બુટલેગર ઝડપાયો : રેલવે પોલીસ અજાણ કે પછી આંખ આડા કાન કરે છે તે અંગે તર્કવિતર્ક : ઝડપાયેલાં હિરલ વસાવા સાથે બબુલનું કનેક્શન
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના સોનતલાવડી ઝૂપડપટ્ટી ખાતે રહેતો હિરલ પ્રવિણ વસાવા વિદેશીદારૂ લઇને રેલ્વે સ્ટેશનમાંથી નિકળી તેના ગોદી રોડ થઇને તેના ઘર તરફ જવાનો છે. જેના પગલે ટીમે ગોદી રોડ પર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રેલવે સ્ટેશનેથી બેગ લઇને આવતાં હિરલ વસાવાને અટકાવી તેની પુછપરછ કરી તેની બેગની તલાશી લેતાં તેમાંથી વિદેશીદારૂની 750 મીલીની 24 બટલો મળી આવી હતી. કુલ 31 હજારથી વધુની મત્તાનો દારૂ પોલીસે જપ્ત કરી તે ક્યાંથી લાવ્યો તે બાબતે પુછતાં તેણે કબુલ્યું હતું કે, તે મુંબઇ ફરવા ગયો હતો. જ્યાંથી તેણે વિદેશીદારૂનો જથ્થો ખરીદી ભરૂચમાં વેચવાના ઇરાદે બેગમાં ભરી રેલવે મારફતે ભરૂચ આવ્યો હતો. જેથી ટીમે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાપી-વલસાડ સહિતના જિલ્લાના કેટલાંક બુટલેગરો બિન્દાસ્ત પણે રેલવે મારફતે વિદેશીદારૂનો જથ્થો લાવવામાં આવે છે. જેમાં રેલવે મારફતે દારૂ પહોંચડનારા ઇમરાન સહિતના સપ્લાયર અને સ્થાનિક બુટલેગર વચ્ચે અલેખિત કરાર હોય છે. જેમાં રેલવે સ્ટેશનની હદ સુધી દારૂ લાવી આપવાની જવાબદારી જે તે સપ્લાયરની હોય છે જે બાદ રેલવે હદમાંથી બહાર પોતાના સ્થળ સુધી દારૂ લઇ જવાની જવાબદારી જે તે બુટલેગરની હોય છે. ત્યારે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પ્રમાણે આખું નેટવર્ક ચાલે છે. જેમાં અલગ અલગ રેલવે પોલીસ સ્ટેશનોની કાર્યપ્રણાલી પણ શંકાના દાયરામાં આવી રહી છે. રેલવે પોલીસને ચકમો આપીને આ નેટવર્ક ચાલે છે કે પછી રેલવે પોલીસે આ નેટવર્ક તરફ આંખ આડા કાન કરવા માટે કોઇ વહિવટ ચાલી રહ્યો છે તે અંગે અનેક તર્કવિતર્ક લોકોમાં ચાલી રહ્યાં છે.
Advertisement
