ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી અંતર્ગત પાલેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ₹4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા.22/02/2026ના રોજ કંપનીના સ્ટોરરૂમમાંથી 120 ઝિંક બોટમ ડ્રોસ (કુલ વજન અંદાજે 3000 કિલોગ્રામ)ની ચોરી થઈ હતી. કંપનીના જનરલ મેનેજરની ફરીયાદના આધારે પાલેજ પોલીસ સ્ટેશન પાટગ-એ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર તપાસ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલેજ ગામના જુના ભીલવાડા વિસ્તારમાંથી 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે રિસીવરોને પણ પાલેજ અને વડોદરાથી ઝડપી લેવામાં આવ્યા હતા. આમ કુલ 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ચોરાયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4), 305(એ), 54 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલેજ પોલીસની ઝડપી અને સુચિત કામગીરીથી ઉદ્યોગ વિસ્તારમાં સર્જાતી ચોરીની ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
પકડાયેલ આરોપીઓના નામ: અજયભાઈ મુકેશભાઈ વાદી (પાલેજ) જુગેશભાઈ હરમાનભાઈ વાદી (પાલેજ) અજયભાઈ હરમાનભાઈ વાદી (પાલેજ) દિલીપભાઈ રાજુભાઈ વસાવા (પાલેજ) રાહુલ અજીતભાઈ વસાવા (પાલેજ) કિરણ કાલિદાસ વસાવા (પાલેજ) રમણ શના વસાવા (અટાલી, તા. કરજણ) સાજીદ રહીમ મલેક (પાલેજ – રિસીવર) પુષ્પેન્દ્ર રમેશચંદ્ર અગ્રવાલ (વડોદરા – રિસીવર, મૂળ રાજસ્થાન)
