ભરૂચ પોલીસ વિભાગના હોર્સ રાઈડિંગ ક્લબ (માઉન્ટેડ યુનિટ) દ્વારા આયોજિત ત્રણ મહિનાની હોર્સ રાઈડિંગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ઉજવણીમય વાતાવરણમાં યોજાયો હતો. શહેરના નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ સદૃઢ બને તે હેતુસર આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રણ મહિનાની તાલીમ દરમિયાન ભાગ લેનાર તાલીમાર્થીઓને હોર્સ રાઈડિંગના મૂળભૂત પાઠ, ઘોડાની સંભાળ, સેફ્ટી નિયમો, સંતુલન જાળવવાની પદ્ધતિઓ તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુભવી ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓએ નિયમિત અભ્યાસ કરી પોતાની કુશળતા વિકસાવી હતી.
તાલીમ પૂર્ણ થતાં આયોજિત પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તથા વિભાગીય પોલીસ અધિકારી એમ. એમ. ગાંગુલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર પાંચ શ્રેષ્ઠ હોર્સ રાઈડર્સને ટ્રોફી અર્પણ કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, આવા સકારાત્મક કાર્યક્રમો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, સહકાર અને મિત્રતાપૂર્ણ સંબંધો વધુ મજબૂત બને છે. ભવિષ્યમાં પણ આવા તાલીમ વર્ગો યોજી વધુ નાગરિકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમ અંતે તમામ તાલીમાર્થીઓએ પોતાના અનુભવ શેર કરતા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
