ભરૂચ.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનો દ્વારા રંગોના પર્વ ધુળેટીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ભરૂચની સંસ્થાની ટીમે ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મુલાકાત લઈને મનોદિવ્યાંગ બાળકો સાથે ફૂલોના અને કુદરતી રંગોના ઉપયોગથી હર્ષોલ્લાસભેર પર્વ મનાવ્યો હતો.
ઉજવણી દરમિયાન સંગીતના તાલે નૃત્ય અને ગરબા યોજાયા હતા, જેમાં ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો સૌએ સાથે મળીને એકબીજાને રંગ લગાવી આનંદ વહેંચ્યો હતો. આ પ્રસંગે બાળકોમાં ખાસ ખુશી, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્રમાં બાળકો ભવિષ્યમાં સ્વાવલંબી બને તે હેતુસર વિવિધ નાના ગૃહઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે, તેવી માહિતી મુખ્ય સંચાલક ભાવનાબેન દ્વારા આપવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા કેન્દ્રના કાર્યની પ્રશંસા કરી બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. કાર્યક્રમના દાતાશ્રીઓ તરીકે વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલીયા, છાયાબેન પાટીલ, અરુણાબેન ચૌહાણ અને મીનાક્ષી મિશ્રાએ સહયોગ આપ્યો હતો. પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી બાળકો સાથે પ્રેમભર્યું પ્રીતિભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમ સ્નેહ, સેવા અને સામાજિક જવાબદારીનું સુંદર પ્રતિબિંબ બની રહ્યો હતો.
