ભરૂચ.
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા પોલીસ વિરૂદ્ધના કેસમાં ઝડપાયેલાં એક બુટલેગરને જિલ્લામાં દારૂનો વેપલો શરુ કરવા માટે પુન: મંજૂરી મળી હોવાની ભારે લોકચર્ચા ચાલી રહી છે.બુટલેગરે જિલ્લાના એક પ્રસિદ્ધ મંદિરે રવિવારે બુટલેગરે બકરો ચઢાવી દારૂના વેપલાની બીજી ઇનિંગ શરૂ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ભરૂચ શહેરમાં હાલમાં એક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જેમાં જિલ્લામાં એક સમયે વિદેશીદારૂના વેપલામાં એકંદરે એકહથ્થુ અને એકતબક્કે આખા જિલ્લાનો મુખ્ય સપ્લાયર બનેલો એક કુખ્યાત બુટલેગર પોલીસ વિરૂદ્ધની પ્રવૃત્તિમાં ઝડપાયો હતો. જેના પગલે સમગ્ર રાજ્યમાં મામલો ચર્ચાના એરણે હતો. બુટલેગરને સાથ આપવામાં પોલીસકર્મીઓ પણ ખરડાયાં હતાં. જોકે, બાદમાં પોલીસ વિભાગે તેેની ધરપકડ કરી હતી. દરમિયાનમાં જેલમાંથી નિકળ્યાં બાદ દારૂનો વેપલો પુન: શરૂ કરવા માટે ધમપછાડા માર્યાં હતાં. અરસામાં ચોક્કસ મધ્યસ્થીની મદદથી ભરૂચ જિલ્લામાં પુન: દારૂનો વેપલો કરવા માટેની મંજૂરી મેળવી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. ત્યાં રવિવારે બુટલેગરે નવી ઇનિંગની શરૂઆત પહેલાં જિલ્લાના એક પ્રસિદ્ધ મંદિરે બકરો ચઢાવ્યો હતો. જ્યાં તેની સાથેના અન્ય બુટલેગર-ખેપિયાઓ તો ત્યાં આવ્યાં જ હતાં. પરંતુ કેટલાંક વિભીષણો પણ તેમની સાથે જોડાયાં હતાં અને માતાજીને બકરો ચઢાવ્યાં બાદ તેની પ્રસાદી પણ લીધી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ઉલ્લેખનિ્ય છે કે, બુટલેગર સાથે મંદિર પર ગયેલાં વિભીષણો સહિતના લોકો મંદિરમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આવ્યાં હોવાની પુરેપુરી શક્યતાઓ છે ત્યારે જો તે ફૂટેજ તપાસવામાં આવે તો બુટલેગર-વિભીષણો વચ્ચેના સંબંધોનો ઘટસ્ફોટ થઇ શકે છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
