ભરૂચ,
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈ આજે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. તેની સાથે ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું હતું.
ભરૂચ જિલ્લા કોર્ટમાંથી આ ચૂંટણી માટે કુલ ત્રણ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લામાં નોંધાયેલા આશરે ૧૦૩૨ જેટલા વકીલ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોને મત આપી રહ્યા છે. મતદાન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી જ વકીલોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી દ્વારા આગામી પાંચ વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના થવાની છે. સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા બાદ ૯૯ ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી આયોગ દ્વારા જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમ જાહેર કરવામાં આવશે.
