ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર
ભરૂચ:
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચમાં મહિલા જાગૃતિ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ મહિલા પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચની આંગણવાડી બહેનો તેમજ અંકલેશ્વર સ્થિત બાન્કો પ્રોડક્ટ્સ કંપનીની મહિલા કર્મચારીઓ સહિત આશરે 300 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સેમિનારમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિરે મહિલાઓને વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓ, મહિલાઓના કાનૂની અધિકારો, મહિલા સુરક્ષા, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી, ‘ગુડ ટચ-બેડ ટચ’ તેમજ સાઇબર ગુનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં સુરક્ષા અને કાનૂની જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માહિતીનો લાભ લીધો હતો. જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓને સજાગ અને સુરક્ષિત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવી રહ્યા છે.
