ભરૂચ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના ઝાડેશ્વર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાનાર વિકાસ ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાને અંદાજિત રૂપિયા ૧૩૫૦ કરોડ ઉપરાંતના કુલ ૧૩૯ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યોની ભેટ આપશે.
આ વિકાસકાર્યોમાં, જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ, રમતગમત તેમજ મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોને આવરી લીધા છે. જિલ્લાના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે હેતુસર આ પ્રોજેક્ટ્સ અમલમાં મુકાયા છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા કનેક્ટિવિટીને વેગ આપતા આ પ્રોજેક્ટ્સ ભરૂચ જિલ્લાના માળખાગત વિકાસને નવી ઊંચાઈ આપશે.
ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા જિલ્લા પંચાયત દ્વારા કુલ રૂ. ૩૦૯ કરોડના ખર્ચે ૯૫ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી અનેક કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૨૪૩ કરોડના ૫૬ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ. ૬૬ કરોડના ૩૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યોમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાના વિકાસ કાર્યો સાથે છ માયનોર બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે, આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનતા અંદાજે ત્રણ લાખ લોકોને તેનો લાભ થનાર છે.
જિલ્લા પંચાયત હસ્તક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પાંચ કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસનું રૂ. ૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓ ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસર ખાતે વિકસાવવામાં આવશે, જે સ્થાનિક નાગરિકો તેમજ મુલાકાતીઓ માટે ઉપયોગી સાબિત થશે.
પુણ્યસલિલા માં નર્મદાના પવિત્ર કિનારે વસેલા ભરૂચ જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાર્થીઓ આવતાં હોય છે. તેમની સુવિધા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ ૮ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવનાર છે, જે પરિક્રમાર્થીઓ માટે આરામ અને નિવાસ માટે મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડશે.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગ્રામ પંચાયત સ્તરે જ વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પંચાયત ઘર બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણરૂપે પંચાયતી રાજને વધુ સશક્ત બનાવવા તથા ગ્રામ્ય સ્તરે વહીવટ વધુ પારદર્શક અને સુવિધાજનક બનાવવા ૬૪ ગ્રામ પંચાયત ઘરોનું રૂ. ૧૬ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ કામોનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવશે. આ વિકાસ કાર્યો દ્વારા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓમાં વધારો થવાની સાથે વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે રૂ. ૨૨.૪૦ કરોડના ખર્ચે ૧૬ વિકાસકાર્યો હાથ ધરાયા છે. જેમાં બે સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નવા વર્ગખંડો અને BRC ભવનના નિર્માણનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પોથી આશરે ૩૦૦૦ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા રૂ. ૩.૭૪ કરોડના ખર્ચે ૮ પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. જેના દ્વારા અંદાજે ૨૦,૦૦૦ લોકોને રસીકરણ, માતા-બાળ આરોગ્ય તથા પ્રાથમિક સારવાર જેવી સેવાઓ ઉપલબ્ધ થશે.
ભરૂચ ખાતે રૂ. ૧૩.૬૦ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ શરૂ થવાથી જિલ્લાના યુવાનોને રમતગમત માટે આધુનિક સુવિધાઓ મળશે અને અંદાજે ૨ લાખ લોકોને તેનો લાભ થશે. તે ઉપરાંત શહેરી વિસ્તારોમાં રૂ. ૧૫.૮૮ કરોડના ખર્ચે રોડ તથા પેવર બ્લોકના કામોના ખાતમુહૂર્તથી આશરે ૫૦ હજાર નાગરિકોને લાભ થશે.
સામાન્ય નાગરિકોને વહીવટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે ૪ જનસેવા કેન્દ્રોના નવીનીકરણનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે મહત્ત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં અંકલેશ્વર – રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર (રૂ. ૭૬૫ કરોડ) અને અંકલેશ્વર ખાતેની એર સ્ટ્રીપ ફેઝ-2 (રૂ. ૧૦૭ કરોડ) સહિત કુલ ૧૦ વિકાસકામો માટે રૂપિયા ૯૮૫ કરોડના કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જિલ્લાના અંદાજે ત્રણ લાખથી વધુ નાગરિકોને સીધો લાભ થશે
ભરૂચ જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ. ૧૩૫૦.૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી જિલ્લાની માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય અને શહેરી વિકાસને નવી દિશા મળશે. આ વિકાસકાર્યો ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
