અમારું સિબીલ ખરાબ છે કહીં તેના દસ્તાવેજ પર એક બાઇક-એક એક્ટીવા લીધી
અન્ય એકને રુપિયાની જરૂર હોઇ તેની પાસે બાઇક લેવડાવી, બાદમાં ગિરવે મુકાવી
ભરૂચ.
ભરૂચ શહેરમાં લોકોને ભોળવી તેમના નામે બાઇક-એક્ટીવા ખરીદી કર્યાં બાદ લોનના હપ્તા ન ભરી બાઇક-એક્ટિવા ગાયબ કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાથે સાથે તે જ ગઠિયાએ અન્ય એક યુવાનને રૂપિયાની જરૂરિયાત હોઇ તેની પાસે નવી બાઇક લેવડાવી બાદમાં ગિરવે મુકાવી ઠગાઇ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
ભરૂચના જૂની મામલતદાર કચેરી સામે આવેલાં રામનગર સોસાયટીમાં રહેતાં મયુર રાણાને વર્ષ 2023માં તેના મિત્ર કેયુર ઉર્ફે વલ્લભ યોગેશ શાહ (રહે. નર્મદા એપાર્ટમેન્ટ) નાએ તેને ગાડીની જરુર હોવાનુું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તેનો સીબિલ સ્કોર ખરાબ હોઇ મયુરના નામે દસ્તાવેજના નામે લોન પર એક્ટિવા લેવાની અને તેના હપ્તા તે જાતે એટલે કે કેયુર ભરશે તેમ જણાવ્યું હતું. મિત્રતામાં મયુરે તેના ડોક્યુમેન્ટના આધારે શ્રી રામ ફાયનાન્સમાંથી એક્ટિવા માટે લોન લઇ તેને એક્ટિવા અપાવી હતી. જે બાદ કેયુરે તેની અન્ય એક મિત્ર રાજ ખુશ્બુ( રહે. વાગરા) સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો. તેને પણ નોકરી માટે અપડાઉા કરવા બાઇકની જરૂર હોઇ અને તેનું પણ સિબિલ ખરાબ હોઇ તેને પણ બાઇક લેવાનું જણાવ્યું હતું. કેયુરે તેની બાંહેધરી લેતાં તેમણે શાલીભદ્ર ફાયનાન્સમાંથી લોન લઇ રાજ ખુશ્બુને બાઇક અપાવી હતી. સમય જતાં તેઓએ હપ્તા નહીં ભરતાં બેન્કમાંથી ઉઘરાણીઓ શરુ થઇ હતી. તેણે તેમને હપ્તા ભરવા કહેતાં તેઓ ગલ્લાતલ્લા કરતાં હતાં. જેથી તેમેણ બાઇક-એક્ટિવા પરત માંગતાં તે પણ પરત આપતાં ન હતાં. જેથી તેની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઠગ ટોળકીએ અન્ય એક યુવાનને પણ આ જ પ્રકારે ઠગાઇ કરી હતી. ભરૂચ તાલુકાના સિતપો રોડ પર આવેલાં માસ્ટર પાર્ક ખાતે રહેતાં અને રીક્ષા ડ્રાઇવિંગ કરતાં અલ્તાફ વલી ખોડીવાલાને ઘરકામ માાટે રૂપિયાની જરૂરિયાત હોઇ તેણે તેના ઓળખિતા અને બાઇક લે-વેચનો ધંધો કરતાં કેયુર શાહ ઉર્ફે વલ્લભ નો સંપર્ક કર્યો હતો. કેયુરે તેને જણાવ્યું હતું કે, તેના નામે શોરૂમમાંથી બાઇક ખરીદી તે બાઇક સોનેરી મહેલ ખાતે રહેતાં રીઝવાન શેખ ઉર્ફે વસીમ પંડીતને ગીરવે આપી રૂપિયા લેવાની વાત કરી હતી. બાદમાં રિઝવાનને પણ વાતથી વાકેફ કર્યાં બાદ તેઓએ નર્મદા ચોકડી પાસેની વિમકો શોરૂમમાંથી બાઇક ખરીદી હતી. જે માટે રિઝવાને તેમને 25 હજાર આપ્યાં હતાં. જે પૈકી તેમણે 19,500 ડાઉન પેમેન્ટ ભર્યું હતું .જ્યારે 5,500 અલ્તાફે રાખ્યાં હતાં. નવી બાઇક રિઝાવાન પાસે હતી. સમય જતાં તેણે રૂપિયા થઇ જતાં તે રૂપિયા રિઝવાનને આપવા જતાં તેણે જણાવ્યું હતું કે, કેયુરે બાઇકના 35 હજાર લીધાં હતાં. જેથી તેમણે રોકડા 22 હજાર અને 10 હજાર ઓનલાઇન કરી બાઇક લઇને ઘરે આવ્યાં હતાં. અરસામાં તેમના પિતરાઇ ભાઇને રૂપિયાની જરૂરિયાત હોઇ તે બાઇક તેમણે તેમના ઓળખિતા ફારૂકભાઇને 15 હજારમાં ગિરવે મુકી હતી. અરસામાં ગત 17મી એપ્રિલે તેમને જાણ થઇ હતી કે, ફારૂકભાઇને એલસીબી પોલીસે પકડી છે. અને તેમની બાઇકનો નંબર અને એન્જીન ચેચિસ નંબર અલગ અલગ છેે. જેથી પોલીસે એન્જીન ચેચિસ નંબરના આધારે બાઇકની વિગતો મેળવતાં તે બાઇક ભરૂચના કોલેજ રોડ પરની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં વિકાસ જીવણભાઇ સોલંકીની છે. જેથી તેમની પુછપરછ કરતાં કેયુર શાહે ત્રણેક વર્ષ પહેલાં તેમના ડોક્યુમેન્ટના આધારે બાઇક ખરીદી હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવને પગલે સી ડિવિઝન પોલીસે કેયુર શાહ તેમજ રિઝવાન શેખ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
