ભરૂચ:
ભરૂચ જિલ્લો માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા અભિયાનના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે. જેના પરિણામે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
જિલ્લાની કુલ 176 સરકારી શાળાઓમાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. આ પ્રવેશોમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાઓ અગ્રેસર રહ્યા છે.
તાલુકાવાર આંકડાઓ મુજબ, ભરૂચ તાલુકાની 45 શાળાઓમાં 184 વિદ્યાર્થીઓ, અંકલેશ્વર તાલુકાની 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓ, વાગરા તાલુકાની 28 શાળાઓમાં 100 વિદ્યાર્થીઓ, જંબુસર તાલુકાની 23 શાળાઓમાં 72 વિદ્યાર્થીઓ, આમોદ તાલુકાની 13 શાળાઓમાં 61 વિદ્યાર્થીઓ, નેત્રંગ તાલુકાની 12 શાળાઓમાં 30 વિદ્યાર્થીઓ, હાંસોટ તાલુકાની 4 શાળાઓમાં 29 વિદ્યાર્થીઓ, ઝઘડીયા તાલુકાની 8 શાળાઓમાં 22 વિદ્યાર્થીઓ તેમજ વાલીયા તાલુકાની 2 શાળાઓમાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ વાલીઓને આકર્ષી રહ્યા છે. પરિણામે સરકારી શાળાઓ હવે શિક્ષણ માટે પ્રથમ પસંદગી બની રહી છે.
આ સાથે ચાલુ વર્ષ 2026-27 માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન તા. 23, 24 અને 25 જૂન 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના 667 ગામો અને 4 નગરપાલિકાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મહોત્સવ માટે કુલ 157 રૂટ નક્કી કરાયા છે, જેમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ તથા 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ આવરી લેવામાં આવી છે. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના 2 પદાધિકારીઓ, IAS, IPS, IFS તથા સચિવાલય કેડરના 16 અધિકારીઓ, જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લામાં કુલ 9,355 બાળકો બાલવાટિકામાં, ધોરણ-1 માં 502 બાળકો, આંગણવાડીમાં 12,939 બાળકો, ધોરણ-9 માં 26,083 વિદ્યાર્થીઓ તથા ધોરણ-11 માં 18,844 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા આગામી સમયમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપી વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે.
