ભરૂચ:
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે.
ભારે વરસાદના કારણે નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત અનેક માર્ગો, કોઝવે અને પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ અથવા ડાયવર્ટ કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તા, કોઝવે કે પુલ પરથી પસાર ન થવા તેમજ મુસાફરી પહેલાં માર્ગની સ્થિતિની ખાતરી કરવા અનુરોધ કર્યો છે.
જિલ્લામાં તળાવો, નાળા અને નદીઓમાં સતત પાણીની આવક વધી રહી હોવાથી કેટલાક સ્થળોએ ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ શકે છે. આવા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ, પશુહાનિ અથવા ઘરવખરીને નુકસાન થાય તો તાત્કાલિક સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા કચેરી અથવા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવી, જેથી બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાય.
ફાયર બ્રિગેડ, પોલીસ, મહેસૂલ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ બચાવ, રાહત તેમજ સ્થળાંતરની કામગીરી માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ અપીલ કરી છે કે શાળાઓ બંધ રાખવા અંગેનો કોઈપણ નિર્ણય માત્ર જિલ્લા તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વરસાદ જોવા અથવા પરિસ્થિતિ નિહાળવાના બહાને બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. તેથી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જનહિતમાં અત્યંત જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળવા તેમજ વહીવટી તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
નાગરિકો માટે ખાસ સૂચનાઓ બિનજરૂરી ઘર બહાર ન નીકળો. પાણી ભરાયેલા રસ્તા, પુલ અને કોઝવે પરથી પસાર ન થાઓ. નદી, તળાવ અને નાળાની નજીક જવાનું ટાળો. વીજળીના થાંભલા, તૂટેલા વાયર અને જોખમી સ્થળોથી દૂર રહો. બાળકો, વૃદ્ધો અને પશુઓની ખાસ કાળજી રાખો. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.
