ભરૂચ:
વાગરા તાલુકાના દહેજમાં આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં પગારના મુદ્દે થયેલા ઝઘડામાં મજૂરની હત્યા કરવાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા.10 મે, 2023ના રોજ દહેજ સ્થિત રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં મજૂરો વચ્ચે પગારની બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી લાલબહાદુર કાદીર ગૌતમએ મજૂર અવધેશ દોબાલ ગૌતમ સાથે ઝઘડો કરી લોખંડના સળિયાથી તેના માથાના ભાગે છ ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓના પગલે અવધેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે દહેજ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ IPCની કલમ 302, 504 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ મનોહરસિંહ જી. રાઠોડએ 21 સાક્ષીઓની તપાસ કરી હતી તેમજ 17 મહત્વના દસ્તાવેજી પુરાવા રજૂ કરી મજબૂત દલીલો કરી હતી. પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
સેશન્સ જજ ઈ.એમ. શેખની કોર્ટે તા.11 સપ્ટેમ્બર, 2026ના રોજ ચુકાદો આપતાં લાલબહાદુર કાદીર ગૌતમને આજીવન કેદની સજા તથા રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો.
