Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નવરાત્રિમાં તસ્કરોનો તરખાટ: મક્તમપુર અને દુબઈ ટેકરીમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી :નર્મદા બંગલો સોસાયટીમાં ત્રણ બુકાનીધારી એક બાઈક પર આવ્યા; દુબઈ ટેકરીમાં પરિવારને ઉપરના રૂમમાં પૂરી 10થી 15 તોલા સોનાના દાગીના સહિતની મતા ચોર્યાની ફરિયાદ

Share

ભરૂચ:

ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયા બાદ તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની મતા પર હાથફેરો કરતાં ચકચાર મચી છે. મક્તમપુરની નર્મદા બંગલો સોસાયટી અને નજીકમાં આવેલી દુબઈ ટેકરી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો સામે આવતાં પોલીસ દોડતી થઈ હતી. તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિતની મતા ચોરી જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મક્તમપુરની નર્મદા બંગલો સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ રહીશો ઘરે જઈને સૂઈ ગયા હતા. દરમિયાન મળસ્કે આશરે ત્રણ વાગ્યાના અરસામાં એક બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારી તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ આશરે એક કલાક સુધી સોસાયટીની ગલીઓમાં આંટાફેરા મારી ત્રણથી ચાર મકાનોને નિશાન બનાવ્યાં હતાં. મકાનના નકુચા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ લોખંડની તિજોરીઓ અને સામાન ફંફોસીને વેરવિખેર કરી નાખ્યો હતો. ઇન્દુબેન વસાવા, ચંદ્રકાંત નાયર, ઋતિક માછી અને વિનોદ પવાર સહિતના રહીશોનાં મકાનોમાં ચોરી થયાની વિગતો સામે આવી છે.
બીજી તરફ, નર્મદા બંગલો સોસાયટીથી આશરે 100 મીટરના અંતરે આવેલી દુબઈ ટેકરીમાં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. અહીં રહેતા અનિલભાઈ જસુભાઈ ઠાકોરના પરિવારના જણાવ્યા અનુસાર, નવરાત્રિના કાર્યક્રમ બાદ પરિવાર ઘરના ઉપરના રૂમમાં સૂઈ ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ નીચેના માળે આવેલા મકાનનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ચોરીને અંજામ આપ્યા બાદ પરિવાર જ્યાં સૂતો હતો તે ઉપરના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેવાયો હોવાનો પણ આક્ષેપ છે.
પરિવાર સવારે જાગ્યો ત્યારે દરવાજો ન ખૂલતાં પાડોશીને જાણ કરી હતી. પાડોશીની મદદથી દરવાજો ખોલીને નીચે તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર અને તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો બે સોનાનાં મંગળસૂત્ર, સોનાની ચેન, હાથનું બ્રેસલેટ, પુરુષો અને મહિલાઓની વીંટીઓ, બુટ્ટીઓ, સોનાની કડીઓ તેમજ ચાંદીની થાળી, વાટકી અને ચમચી સહિતની મતા લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિવારના જણાવ્યા મુજબ, અંદાજે 10થી 15 તોલા સોનાનાં દાગીના સહિત લાખોની મતા ચોરાઈ છે.
બંને વિસ્તારોમાં ચોરીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નર્મદા બંગલો સોસાયટીમાં એક બાઈક પર આવેલા ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ બાઈકની નંબર પ્લેટ અને અન્ય ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન લોકો ગરબા રમવા માટે ઘરો બંધ રાખીને જતા હોય છે. આવા સમયે બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકીઓ સક્રિય થતાં તહેવારોના માહોલમાં રહીશોમાં ચિંતા ફેલાઈ છે. દિવાળીને હવે આશરે એક મહિનો બાકી છે ત્યારે પોલીસે બંને બનાવોની ઝીણવટભરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ

ProudOfGujarat

ભરૂચમાં વસતા જૈન સમાજ દ્વારા આજરોજ પાર્વધીરાજ પર્યુષણના પર્વની ઉજવણી કરવામા આવી હતી.એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ પર્વ અંતિમ પડાવ પર હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!