ભરૂચથી દહેજને જોડતા રોડને સીકસલેન બનાવીને દોઢ વર્ષથી ટોલ ઉઘરાવવામાં આવતો હોવા છતાં રસ્તો ચોમાસામાં ધોવાઇ ગયો છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કંપની ( જીએસઆરડીસી)ના અધિકારીઓને બે મહિનામાં 5 વખત સુચના આપવા છતાં અસરકારક કામગીરી નહિ થતાં કલેકટર વિફર્યા છે. તેમણે 15 દિવસમાં લોકોની ફરિયાદનું નિરાકરણ નહિ આવે તો ભેંસલી નજીક બનાવાયેલા ટોલનાકાને બંધ કરી દેવાની ચીમકી આપી છે. 48 કીમીના રસ્તા પર ખાડાઓને પુરવામાં આવ્યાં છે પણ થોડા વરસાદમાં ફરી ખાડા પડી જતાં સમસ્યાનું નિરાકરણ આવવાને બદલે વધી રહી છે.

વિશ્વના શ્રેષ્ઠ ગણાતા દહેજ સેઝને દેશના અન્ય શહેરો સાથે જોડવા માટે ભરૂચથી દહેજને જોડતા માર્ગને સીકસલેન બનાવવામાં આવ્યો છે. સીકસલેન રોડ બની ગયા બાદ છેલ્લા દોઢ વર્ષથી ટોલટેકસ ઉઘરાવવામાં આવી રહયો છે. ચોમાસાની શરૂઆત થતાં 48 કીમીના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જિલ્લાના પ્રભારીમંત્રી સુધી ફરિયાદ જતાં જીએસઆરડીના અધિકારીઓએ તાબડતોડ ખાડાઓ પુરાવી દીધાં હતાં. ત્યારબાદ ફરીથી વરસાદ થતાં ખાડાઓ પડયાં હતાં તેમજ કવોરી ડસ્ટ ઉડતા લોકો હાલાકી વેઠી રહયાં છે.

શનિવારે મળેલી ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં દહેજ રોડનો પ્રશ્ન ધારાસભ્યએ ઉઠાવ્યો હતો. જો 15 દિવસમાં રસ્તાનું વ્યવસ્થિત રીપેરીંગ કરવામાં નહિ આવે તો
ભેંસલી ખાતે આવેલા ટોલનાકાને બંધ કરી દેવામાં આવશે… 30મી સપ્ટેમ્બર સુધી અસરકારક કામગીરી નહિ થાય તો જીએસઆરડીસીના અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવાની ચીમકી કલેકટર રવિકુમાર અરોરાએ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસઆરડીસીના અધિકારીઓને બે મહિનામાં પાંચ વખત સુચના આપવામાં આવી હોવા છતાં પરીણામલક્ષી કામગીરી નહિ થતાં કલેકટર વિફર્યા છે…સૌજન્ય

LEAVE A REPLY