ભાડૂઆત અને શ્રમિકોની નોંધણી નહીં કરનારા સામે કાર્યવાહી
। ભરૂચ ।
ભરૂચ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાડૂઆતોની નોંધણી નહીં કરનારા મકાન-દુકાન માલિકો તેમજ શ્રમિકોની નોંધણી નહીં કરનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાનમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તેમજ જિલ્લાના ૨૬ પોલીસ સ્ટેશનોમાં ટીમોએ સક્રિય થઈને ચેકિંગ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે છેલ્લાં ૩ દિવસમાં પોલીસે કુલ ૭૦૮ લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાં પપ૨ મકાન-દુકાન માલિકો કે જેમણે તેમના ભાડૂઆતોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી ન હતી તેમજ ૧૫૯ કોન્ટ્રાક્ટરો કે જેમણે તેમના ત્યાં કામ કરતાં શ્રમિકો-કર્મચારીઓની નોંધણી કરાવી ન હતી. તેમની સામે કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, અસામાજિક તત્વો કે પછી દેશ-શહેરની સુરક્ષાને મોટું નુકસાન કરી શકે તેવા લોકો શહેર-જિલ્લામાં કોઈ પણ રીતે આવીને ભાડૂઆત કે શ્રમિક બનીને જિલ્લામાં રહીને જિલ્લાની સ્થિતીનો તાગ મેળવી મોટી હોનારત નોતરી શકે છે. ઉપરાંત કેટલાંક કિસ્સામાં અન્ય રાજ્યમાં મોટા ગુનાઓને અંજામ આપી ભરૂચ જિલ્લામાં આવી શ્રમિક બનીને રોજગારી મેળવવા સાથે પોલીસ પકડથી બચવા માટે છુપાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી. જેના પગલે દરેક નાગરિકે તકેદારી રાખી તેમના ભાડૂઆતો કે તેમના ત્યાર કામ કરતાં શ્રમિકો-કર્મચારીઓની જાણ સ્થાનિક પોલીસમાં કરવી જરુરી હોવાનું એસઓજી પીઆઈ એ. એ. ચૌધરીએ જણાવ્યું હતું.
