ભરૂચ.
ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના વાતરસા – કૉઠી ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકો સહિત માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં જતા ખેડૂતો તેમજ કંબોલી શાળામાં જતા છાત્રો પરેશાન થઇ રહ્યા છે. ચાર કિમી ના આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો માટે આ માર્ગ શિરોવેદના સમાન બનવા પામ્યો છે. આ માર્ગ પરથી રોજ બરોજ વાતરસા – કૉઠી ગામના લોકો પાલેજ કામકાજ અર્થે આવતા હોય છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ એટલો બધો ઉબડખાબડ બની ગયો છે કે આ માર્ગ પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
વાતરસા – કૉઠી ગામમાં જો કોઇ આગની ઘટના બને તો ફાયર બ્રિગેડનું વાહન પણ જઇ ન શકે એટલી બિસ્માર હાલતમાં માર્ગ થઇ જવા પામ્યો છે. જો કોઇ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે તેમજ કોઇ અકસ્માત સર્જાય તો ૧૦૮ સેવા પણ આ માર્ગ પરથી ગામમાં પહોંચી ન શકે એવી હાલત આ માર્ગની થઇ જવા પામી છે. આ માર્ગ બાબતે અગાઉ પણ અખબારોમાં સમાચારો પ્રસિધ્ધ થયા હતા. છતાં હજુ સુધી આ માર્ગનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું નથી. તો માર્ગ મકાન વિભાગ દ્વારા સત્વરે માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવે એવી વાહનચાલકો તેમજ ગ્રામજનો દ્વારા માગ ઉઠવા પામી છે
