ભરૂચ.
જંબુસર તાલુકામાં આવેલાં દેવલા ગામે નાડા રોડ પર આવેલાં દવાખાનાવાળા ફળિયામાં રહેતી પાર્વતિ ઉર્ફે પારૂલ સુરેશ રાઠોડ સવારના સમયે તેમના ઘરના ફળિયામાં બેઠી હતી અને તેમની 4 વર્ષની પુત્રી સંજના ફળિયામાં રમતી રમતી અચાનક રોડ ક્રોસ કરવા જતાં નાડા ગામ તરફથી આવતાં એક ટ્રક ચાલકે તેની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની પુત્રીને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં ટ્રક ચાલક તેની ટ્રક મુકીને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે ગામના લોકો એકત્ર થઇ જતાં તેઓએ 108ને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી હતી. તેણે તેના પતિ સાથે બાળકીને સારવાર માટે જંબુસર સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલાં આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.
