શ્રવણ ચોકડીથી શ્યામવિલા તરફ જવાના રસ્તા પરની ઘટના
ભરૂચ
ભરૂચની શ્રવણ ચોકડીથી શ્યામવીલા તરફ જતાં બે પિતરાઈ ભાઈઓની એક્ટીવાને અજાણ્યા ટેમ્પો ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. જયારે બીજાને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકાના જોલવા ગામે મિલેનિયમ માર્કેટ વિસ્તારમાં રહેતાં ભગીરથ મોનારામ દેવાસી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેઓ સોમવારે સવારે કામ અર્થે ભરૂચ આવ્યાં હતાં. તેમણે શ્રવણ ચોકડી પાસે આવેલી નારાયણ સૃષ્ટી સોસાયટીમાં રહેતાં અને કિરાણાની સ્ટોર ચલાવતાં પિતરાઈ ભાઈ કેવલરામ મિશ્રલાલ દેવાસીને લેવા માટે બોલાવતાં તે એક્ટીવા લઈને શ્રવણ ચોકડીએ આવ્યો હતો. દરમિયાનમાં ભગીરથે જાતે એક્ટીવા ચલાવી લેતાં કેવલરામ પાછળ બેઠો હતો. તેઓ ત્યાંથી નિકળી ક્રોમા સેન્ટર પાસે શ્યામવિલા સોસાયટી નજીક પહોંચતાં પાછળથી એક ટેમ્પો ચાલકે પુરઝડપે ધસી આવી તેમની એક્ટીવાને ટક્કર મારતાં બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. અકસ્માતમાં કેવલરામને ગંભીર ઈજાઓ થતાં ભગીરથે તેમના નજીકમાં રહેતાં સગાસંબંધીઓને બોલાવી લેતાં તેમણે તેને ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત થયાનું માલુમ પડયું હતુ. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલાં ટેમ્પો ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.
