GPCCના મહામંત્રી સંદીપ માંગરોલાની ગુજરાત સરકારને રજૂઆત
કોગ્રેસ આગેવાનો દ્વારા મૃતકના પરિવારો ને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
ભરૂચ.
અમદાવાદથી લંડન જતાં એર ઈન્ડિયા ફ્લાઇટ 12 જૂન 2025ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાથી ભરૂચ જિલ્લાના ત્રણ મુસાફરોના દુઃખદ અવસાનના બનાવને પગલે GPCCના મહામંત્રી સંદીપ માંગરોલાએ આજે રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અવસાન પામેલ મુસાફરોના પરિવારજનોને આજે કોંગ્રેસના આગેવાનો પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, કોર્પોરેટર સલીમ અમદાવાદી, દિનેશ અડવાણી, ઝુબેર પટેલ,યુવા પ્રમુખ સકીલ અકુજી,લુકમાન પટેલ સહિતના આગેવાનો સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.
મૃતક પરિવારજનો હજુ સુધી પોતાના સગાંના મૃતદેહો માટે રાહ જોઈ રહ્યા છે અને અંતિમ વિધી માટે તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.
સંદીપ માંગરોલાએ પત્રમાં માગણી કરી છે કે, પોસ્ટમોર્ટમ અને અન્ય જરૂરી તબીબી કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય, રાજ્ય સરકાર અને નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે યોગ્ય સંકલન થવું જોઈએ, મૃતદેહોને આદર સાથે કૌટુંબિક સભ્યોને વહેલી તકે સોપવામાં આવે.
આ ઉપરાંત તેમણે અરજ કરી છે કે આરોગ્ય વિભાગ તરફથી એક નોડલ અધિકારી નિયુક્ત કરીને પરિવારજનો સાથે સીધો સંપર્ક સાધવામાં આવે અને તેમને માર્ગદર્શન તેમજ સહાય ઝડપથી આપવામાં આવે.
