સાયખા મેડિકામેન્ટ ફાર્મા કંપનીમાં HVAC સિસ્ટમ નાંખવાના 40.54 લાખ રૂપિયા નહીં ચુકવાનો મામલો
ભરૂચ.
સાયખાની મેડિકામેન્ટ ફાર્મા કંપનીના સંચાલકો સામે કંપનીમાં HVAC સિસ્ટમ નાંખવાના 40.54 લાખ રૂપિયા નહીં ચુકવ્યાં બાબતની ફરિયાદ એસ. આર. ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન કંપની દ્વારા વાગરા પોલીસ સ્ટેશને કંપનીના 8 ભાગીદારો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં મેડિકામેન્ટ ફાર્મા કંપનીના સંચાલકો દ્વારા તેમના પર ખોટા આક્ષેપ સાથેની ફરિયાદ કરાઇ હોવાની કેફિયત રજૂ કરી છે.
કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે, HVAC ઇન્સ્ટોલેશન માટેનો મેડીકામેન્ટ કંપની સાથે એસઆર ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સના વ્રજ શાહ દ્વારા 6 મે 2022ના રોજ કરાર કરાયો હતો. જેમાં 55 દિવસમાં પ્રોજેક્ટ પુરો કરવાનું હતું. જોકે, આજે 37 મહિના બાદ પણ તે કામગીરી અધૂરી છે. ઉપરાંત શરૂઆતથી જ કામગીરીમાં ટેક્નિકલ અજ્ઞાનતા, સુવિધાઓની અછત અને બિનપ્રમાણભૂતતા સામે આવી હતી. કરારના સ્પષ્ટ ઉલ્લઘન સાથે તેમણે કામ બીજાને સોંપી દીધું હતું તેમજ જે બ્રાન્ડની સામગ્રી વાપરવાની હતી તેના કરતાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી હતી.
એસ. આર.. ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન કંપનીએ પીઓ મુજબ કુલ 60.23 લાખની રકમ હતી પરંતુ માત્ર 9.46 લાખનું કામ કરવામાં આવ્યું હોવા છતાં તેમને 9.89 લાખ સુધીની ચુકવણી કરી છે. વ્રજ શાહે કંપનીમાં 40.54 લાખનું કામ કર્યાનો દાવો કર્યો છે તે પુરતા ટેક્નિકલ પુરાવા વિનાનો છે. તેમની બેદરકારી અને ખોટા કાર્યોના કારણે પ્લાન્ટ બંધ રહેવુ, નવી એજન્સી મારફતે રિ-ઇન્સ્ટોલેશન, મશીનરી નુકશાન,વ્યાજ સહિત કુલ 2.10 કરોડથી વધુનુ઼ં નુકશાન થયું છે.
સંપૂર્ણ વિવાદ દરમિયાન વ્રજ શાહ દ્વારા કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓને સતત ધમકીઓ આપવામાં આવી – જેમાં ખોટી FIRની ધમકી, સોશિયલ મીડિયા પર માનહાનિકારક મટિરિયલ અને રાજકીય દબાણનો પણ સમાવેશ થાય છે. અમને કેટલીક “નકલી રાજકીય કોલ્સ” પણ મળી છે – જેનાથી અન્યાયપૂર્ણ રીતે દબાણ કરવાની કોશિશ કરવામાં આવી હતી.. હાલમાં તેઓ દ્વારા અમારા નામ અને પ્રતિષ્ઠા પર ખોટા આક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
