ભરૂચ જિલ્લામાં એસઓજી-ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત સર્ચ ઓપરેશન
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય તેવી દવાઓનું વેચાણ થાય છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે ભરૂચ એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસની ૭૦ ટીમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને ખાસ ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી. એક દિવસની આ ડ્રાઈવમાં ભરૂચ જિલ્લામાં 263 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરતાં તે પૈકીની ૩૯ સ્ટોરમાં અલગ અલગ પ્રકારની ખામીઓ જણાતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, તે પૈકીની ૭ મેડિકલ સ્ટોરના સંચાલકોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેર-જિલ્લામાં આવેલી મેડિકલ સ્ટોર પૈકીના કેટલાંક સ્ટોરમાં સંચાલકો દ્વારા ડોક્ટરની પિસ્ક્રિપ્શન વિના જ દવાઓ આપતાં હોવાની બૂમો ઉઠી હતી. જેના પગલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની સુચનાથી એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ૭૦ ટીમો બનાવી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને શહેર જિલ્લાના મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ થયું હતું. ટીમોએ જિલ્લામાં કુલ ૨૬૩ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી ૩૯ મેડિકલ સ્ટોરમાં શિડયુઅલ એચ. એચ1 અને એક્સ દવાઓનું વેચાણને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૭ મેડિકલ સ્ટોરના સંચાલકો સામે શો-કોસ નોટિસ પણ આપવામાં આવી છે.
શો-કોઝ નોટિસ બાદ એડ્મિસ્ટ્રેટીવ પગલાં ભરાશે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીમાં જે દુકાનોમાં સીસીટીવી કેમેરા ને લગાવ્યા હોય, ફાર્માસિસ્ટની ગેરહાજરી હોય અથવા તો અન્ય કોઈ તેના બદલે દુકાન ચલાવતો હોય, રૂલ નં. 65નો ભંગ થતો હોય, નાર્કોટિક્સની દવાઓનું વેચાણ થતું હોય, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ દવાઓનું વેચાણ થતું હોય તે સહિતના મુદ્દાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૭ જણાને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. તેમના જવાબ આવ્યા બાદ તેના આધારે તેમની સામે એડિમસ્ટ્રેટીવ પગલાં ભરવામાં આવશે. - એમ. પી. નાકરાણી, એસી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ભરૂચ.
એન્ટીબાયોટીક દવાઓના વેચાણ દર્દીને નુકસાનકારક ઘણીવાર મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ગ્રાહકોને દવાઓ આપવામાં આવે છે. આવા સમયે કોઈને કોઈ બિમારી થઈ હોય અને તેણે એન્ટીબાયોટીક દવા લીધાં બાદ થોડું સારું થઈ ગયાં બાદ પુનઃ દવા લેતો નથી. જેના કારણે તેના શરીરમાં રહેલાં જર્મ્સ પુનઃ સક્રિય થતાં તે ગંભીર બિમારીમાં સપડાઈ શકે છે. ત્યારે આવી બેદરકારીને લઈને મેડિકલ સ્ટોર સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં પણ ઓચિંતુ ચેકિંગ કરાશે એસપી મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને એક દિવસની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૨૬૩ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરતાં ૩૯ મેડિકલ સ્ટોરમાં અલગ અલગ પ્રકારની ક્ષતિઓ તેમજ નિયમોના ઉલ્લંધન થયાનું ધ્યાનમાં આવતાં તેમની સામે કાર્યવાહી કરી તેનો રિપોર્ટ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી આપવામાં આવ્યોછે. ૩૯ મેડિકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
