ત્રણેયને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં :
હોસ્પિટલમાં ટોળાએ કંપનીના એચઆરના કર્મચારીઓને ટપલીદાવ કર્યો
ભરૂચ.
દહેજની શિવ ફાર્મા કેમ કંપનીના એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા વેળાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં નાઇટ શિફ્ટમાં ત્યાં કામ કરતાં ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, તે પૈકીના બેના મોત થયાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ઘટનાની જાણ થતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દોડી આવેલાં પરિવારજનો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઉશ્કેરાયેલાં ટોળાએ એચઆર વિભાગના એક કર્મચારીને ટપલીદાવ કર્યો હતો.
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શિવા ફાર્મા કેમ કંપનીમાં રાત્રીના 2:40 વાગ્યાના અરસામાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં રિએક્ટર કોલમમાં ઓવર પ્રેશર થવાને કારણે બ્લાસ્ટ થયો હતો. રિએક્ટરમાં એસિડ અને ગેસનું દબાણ થતાં તે ફાટતાં તેમાંનું કેમિકલ ચારેય તરફ ફેકાયું હતું. દરમિયાનમાં ત્યાં નજીકમાં નાઇટ શિફ્ટમાં કામ કરતાં ત્રણ કામદારો અર્જૂન પરબતભાઇ પટેલ, પ્રવિણ મનસુખભાઇ પરમાર તેમજ શૈલેન્દ્રસિંહ યાદવ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને અત્યંત નાઝૂક હાલતમાાં તાત્કાલિક સારવાર માટે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તે પૈકીના અર્જૂન પટેલ તેમજ પ્રવિણ પરમારનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ તુરંત હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં હતાં. જ્યાં સ્વજનોના મૃતદેહને જોઇને પરિવારજનોના આક્રંદથી આખી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. બીજી તરફ કંપનીના કોઇ મોટા અધિકારી ત્યાં હાજર ન હોવાને કારણે પરિવારજનોનો પિત્તો હટી જતાં કંપનીમાંથી આવેલાં એચઆર વિભાગના બે કર્મચારીઓ સાથે પરિવારજનોની તુતુમેંમેં થઇ ગઇ હતી. લોકોમાં રોષ એટલો વધી ગયો હતો કે, તેઓએ તેમને ટપલીદાવ પણ કર્યો હતો. બનાવને પગલે દહેજ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇન્ડસ્ટ્રિયલ એન્ડ સેફ્ટી વિભાગે ક્લોઝર ફટકારી કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તુરંત સ્થળ પર દોડી ગઇ હતી. એક તરફ ફાયરવિભાગની ટીમે બ્લાસ્ટ પછી તમાામ સ્થિતીને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ત્યાં સેફ્ટી વિભાગે ઘટનાને લઇને કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારી હતી. તેમજ એફએસએલ ટીમની મદદથી ઘ ટના બનાવવાનું ચોક્કસ કારણ જાણવાની કવાયત હાથ ધરી હતી.
બોક્ષ : મૃતદેહોને પાર્કિંગમાં જ મુકતાં પરિવારજનોમાં રોષ ફાટ્યો પોતાના વ્હાલસોયા સાથે મોટી દુર્ઘટના થઇ હોવાના સમાચાર સાંભળીને પરિવારજનો તુરંત વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં હતાં. જોકે, ત્યાં બન્ને મૃતકો અર્જૂન પટેલ અને પ્રવિણ પટેલના મૃતદેહોને હોસ્પિટલના પાર્કિંગમાં જ ખુલ્લા મુકી રાખેલાં જોઇને પરિવારજનોનો રોષ ફાટી નિકળ્યો હતો. કંપની અને હોસ્પિટલ સંચાલકોમાં માનવતા મરી પરવારી હોવાના રોષ સાથે તેમને હોબાળો મચાવ્યો હતો.
