ભરૂચ બી ડિવિઝન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફોન કર્યાં હતાં
ભરૂચ.
ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લેન્ડ લાઇન નંબર પર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નંબર પર ફોન કરી એક શખ્સે પરિવાર સાથે આપઘાત કરવાની ધમકીઓ આપી હતી. જેના પગલે બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી તપાસ હાથ ધરી શખ્સને ઝડપી પાડ્યો હતો. શખ્સે દારૂના નશામાં કોલ કર્યાંનું માલુમ પડતાં ટીમે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા હેકો રાહુલભાઇ પોલીસ સ્ટેશનમાં હાજર હતાં. તે વેળાં તેમને જાણ થઇ હતી કે, પોલીસ સ્ટેશનના લેન્ડ લાઇન નંબર પર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નંબર પર કોઇ શખ્સનો ફોન આવ્યો હતો. તે જણાવતો હતો કે, મારી રજૂઆત કોઇ સાંભળતાં નથી. એટલે હું મારી પત્ની તેમજ બાળકો સાથે આત્મહત્યા કરવા માટે જાંઉ છુ઼. જેના પગલે પોલીસે કોલને ગંભીરતાથી લઇ તુરંત તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે, તે કોલ કરનાર એપીએમસી માર્કેટમાં આવેલાં વજનકાંટા પાસે છે. જેથી ટીમે તુરંત સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. તેનું નામ તોસીફ આદમ પટેલ (રહે. નુરાની સોસાયટી, સબજેલ પાસે) હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ તેણે ચિક્કાર દારૂ પિધેલો હોવાનું જણાયું હતું. પોલીસે તેના મોબાઇલમાંથી તેમની પત્નીનો નંબર મેળવી તેના પર સંપર્ક કરતાં તેમની પત્ની શાહીન તેમના બાળકો સાથે સાંચના સાડાપાંચેક વાગ્યેથી તેના પિતાને ત્યાં ખુબેબ પાર્ક ખાતે ગઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
