સાંજે 5 વાગ્યે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી 20.86 ફૂટે પહોંચી
ભયજનક સપાટીથી નર્મદા નદી માત્ર 1.20 ફૂટ દૂર : જોકે, પાણીની આવક ઘટતા રાહત
ભરૂચ.
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાઇ રહેલાં પાણીની માત્રામાં ઘટાડો થયો છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો વધતાં ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ 3.95 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાઇ રહ્યું હતું. જેના પગલે ભરૂચમાં નર્મદા નદી તેની ભયજનક 22 ફૂટની સપાટીને સ્પર્ષ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે સાંજના 5 વાગ્યે નર્મદા નદીનું જળસ્તર તબક્કાવાર રીતે વધીને 20.86 ફૂટે પહોંચી ગયું હતું. વહિવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના અને નદીના પટમાં રહેતાં લોકોને અગાઉથી જ તાકીદ કરી તેમને સલામત સ્થળે ખસી જવા માટે સુચના આપી હતી. જોકે, ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક 22 ફૂટની જળસપાટીથી 1.20 ફૂટ દૂર છે. બીજી તરફ સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી આવતાં પાણીનો ઇનફ્લો પણ ઘટીને 2.56 લાખ ક્યૂસેક થઇ ગયો છે. જેના કારણે સરદાર સરોવર નિગમ દ્વારા ડેમના 5 દરવાજા બંધ કરી દેતાં હાલમાં માત્ર 10 ગેટને 1.75 મીટર ખુલ્લા રાખી નર્મદા નદીમાં 1.45 લાખ ક્યૂસેક પાણી અને કેનાલમાં 20 હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી નર્મદા નદીમાં છોડાઇ રહેલાં પાણીની માત્રા ઘટતાં આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં અગાઉના છોડાયેલાં 3.95 લાખ ક્યૂસેક પાણીની અસર ક્રમશ: ઓછી થવા સાથે હવે માત્ર 1.45 લાખ ક્યૂસેક પાણી જ નર્મદામાં છોડવામાં આવી રહ્યું હોવાથી કિનારાના વિસ્તારોમાં ટોળાઇ રહેલું પુરનું સંકટ ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
