જૂની સંપાદન પ્રક્રિયામાં વર્ષ ૨૦૧૧ની જંત્રી હતી, નવામાં હાલની જંત્રીને આધાર બનાવાશે
। ભરૂચ ।
ભાડભૂત બેરેજ યોજનાને લઈને થયેલી જૂની જમીન સંપાદન પક્રિયાને લઈને ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો હતો. ખેડૂતોએ જૂની જમીન સંપાદન પક્રિયાને લઈને હાઈકોર્ટમાં જતાં કોર્ટે જૂની જમીન સંપાદન પ્રક્રિયા રદ કરવાનો હુકમ કરતાં ખેડૂતો હરખાયાં છે. કોર્ટના હુકમ બાદ હવે નવેસરથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં નવા બજાર-જંત્રી ભાવ મુજબ ખેડૂતોને વળતર મળશે. ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં જમીન સંપાદનની નવી પ્રક્રિયાના ભાગરૂપે પહેલું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ છે.
કલ્પસર વિભાગ દ્વારા આકાર લઈ રહેલી ભાડભૂત બેરેજ યોજના પહેલેથી જ વિવાદોમાં રહી હતી. પહેલાં માછીમારો અને બાદમાં જમીનના માલિકો દ્વારા જમીન સંપાદનનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાનમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં વર્ષ ૨૦૧૧નો જંત્રીનો ભાવ આધાર માટે લેવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાતાં તેમણે તેનો વિરોધ કર્યો હતો. વળતર રૂપે તેમને ૧ ફૂટના ૪૮ પૈસાથી ૭૫ પૈસા જેવી રકમ જાહેર કરવામાં આવી હતી. જેથી ખેડૂતોએ કોર્ટમાં ઘા કરતાં અદાલતે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ખેડૂતોના તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેમજ જૂની જમીન સંપાદનની પ્રક્રિયામાં ક્ષતિઓ હોવાનું પણ ટાંક્યું હતુ.
કોર્ટના આદેશ બાદ હવે નવેસરથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં તબક્કાવાર જાહેરનામાઓ પ્રકાશિત કરવા સાથે નવા બજાર ભાવ પ્રમાણે જમીનના વળતરની કિંમત નક્કી કરવામાં આવશે. અને તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. કોર્ટ દ્વારા ખેડૂત તરફે કરાવેલાં નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લા જમીન મુલ્યાંકન સમિતી દ્વારા નવો ભાવ નક્કી કરાશે કોર્ટના આદેશ બાદ હવે વહિવટી તંત્ર દ્વારા નવેસરથી સમગ્ર પક્રિયા કરવામાં આવશે. ત્યારે નવી જમીન સંપાદન પ્રક્રિયામાં જિલ્લા જમીન મુલ્યાંકન સમિતી દ્વારા નવી ભાવ નક્કી કરવામાં આવશે. જૂની પ્રક્રિયામાં વર્ષ ૨૦૧૧નો જંત્રીના ભાવને આધારમાં લીધો હતો. જોકે, નવી પ્રક્રિયામાં હાલની નવી જંત્રી તેમજ ડ્રાફ્ટ જંત્રી સહિતના અલગ અલગ ફેક્ટરને ધ્યાનમાં રાખીને જિલ્લા જમીન મુલ્યાંકન સમિતી દ્વારા નવો ભાવ નક્કી કરવામાં આવશે. જોકે, નવી જંત્રી, ડ્રાફ્ટ જંત્રીને ધ્યાનમાં લઈએ તો ખેડૂતોને હવે સારૂ વળતર મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંમતિ એવોર્ડ કરનારને ૨૫ ટકા વધુ વળતર મળશે જમીન સંપાદનની પ્રક્રિયામાં બે રીતે એવોર્ડ (વળતર) ચુકવવામાં આવે છે. જેમાં એક સંમતિ એવોર્ડ હોય છે અને બીજું સામાન્ય એવોર્ડ. સામાન્ય એવોર્ડમાં જમીન સંપાદનનું પહેલું જાહેરનામું પડે કે તુરંત તે મુજબના એવોર્ડ માટે તૈયાર થઈ જાય તો તેને સંમતિ એવોર્ડ કહેવાય છે. અને સંમતિ એવોર્ડ કરનારને ૨૫ ટકા વધારે વળતર મળે છે. અને તેમને ૮૦ ટકા રૂપિયા તુરંત અને બીજા ૨૦ ટકા રૂપિયા પ્રક્રિયા પુર્ણ થયાં બાદ મળે છે. જે ઝડપી પ્રક્રિયા છે. જયારે સામાન્ય એવોર્ડમાં તમામ પ્રક્રિયા બાદ તેમને એવોર્ડ મળે છે. જેને વધુ વાર લાગે છે.
