અંગારેશ્વરના મંગલેશ્વર મંદીરના દાનપેટીમાંના 58 હજાર તેમના ઘરે રાખ્યાં હતાં
માતા ટ્રાવેલ્સમાં રાજસ્થાન પ્રવાસે જતાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
ભરૂચ.
ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલાં આમ્રકુંજ સોસાયટીમાં રહેતાં અને મુળ અંગારેશ્વર ગામના વતની અને રાજકિય આગેવાન મહેશ ભીમાભાઇ પરમાર અંગારેશ્વર ગામમાં આવેલાં મંગળનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી છે. જેથી તેઓ મંદિરનું સંચાલત કરતાં હતાં. તેઓ તેમની પત્ની સાથે રહે છે. જ્યારે તેમની માતા એકલાં જ અંગારેશ્વર ગામે નવીવસાહત ખાતે રહેતાં હતાં. બે મહિના પહેલા મંગળનાથ મહાદેવ મંદિરની દાન પેટી ટ્રસ્ટીઓએ ખોલી હતી. જેમાં દાનમાં આવેલાં રૂપિયા ગણતાં કુલ 58 હજાર રૂપિયા નિકળ્યાં હતાં. જેથી ટ્રસ્ટીઓની સંમતિથી દાનના તે રૂપિયા મહેશ પરમારે અંગારેશ્વર ગામે તેમના ઘરે લાવી ઘરમાં પુજા રૂમમાં મુકેલી તિજોરીમાં મુક્યાં હતાં. દરમિયનમાં ગત 11મીએ તેમની માતા ટ્રાવેલ્સમાં રાજસ્થાન પ્રવાસમાં ગયાં હતાં. બીજા દિવસે સવારના સમયે તેમના ઘરની સામે રહેતાં કુંદન પરમારે તેમને ફોન કરી તેમના ઘરનું તાળું તુટેલું છે. જેથી મહેશ પરમારે તુરંત ગામના માજી સરપંચ કમલેશ માછીને તેમના ઘરે મોકલતાં તેમણે ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડતાં તેઓ તુરંત તેમના ઘરે પહોંચ્યાં હતાં. ઘરમાં તપાસ કરતાં કબાટમાં મુકેલાં મંદિરની દાનપેટીમાંના 58 હજાર રૂપિયા તેમજ માટીના ગલ્લામાંના અંદાજે 10 હજાર રૂપિયા મળી કુલ 68 હજારની તસ્કરો ચોરી કરી ગયાં હોવાનું જણાયું હતું. તેમની માતાએ અન્ય રૂપિયા કે સોના-ચાંદીના દાગીના કોઇ જગ઼યાએ મુક્યા છે કે કેમ તેની જાણ ન હોઇ તેઓના આવ્યા બાદ જો તેની પણ ચોરી થઇ હોય તો ચોરીનો આંક હજી વધે તેવી શક્યતાઓ સાથે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
