મહિલાઓને લગતાં પ્રશ્નો અંગે તુરંત જ કાર્યવાહી કરો : એસપી અક્ષયરાજ મકવાણા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લાના નવનિયુક્ત એસપી અક્ષયરાજ મકવાણાએ શુક્રવારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન કર્યું હતું. ઉપરાંત લોક દરબારમાં પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંવાદ પણ કર્યો હતો. મહિલાઓને લગતાં પ્રશ્નો પર તુરંત કાર્યવાહી કરવા માટે એસપીએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ શુક્રવારે શહેરના સોનેરી મહેલ ખાતે આવેલાં મહિલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કર્યું હતુ. જેમાં ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર. વાઘેલા, પીએસઆઈ વી. એ. આહિર સહિત મહિલા પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓએ હાજર રહ્યાં હતાં એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ સ્ટેશનના તમામ રેકર્ડની માહિતી મેળવી માળખાકીય સુવિધાઓ બાબતે ઝીણવટ ભરી તપાસણી કરી હતી.
મહિલા પોલીસ સ્ટેશનમાં જિલ્લા તથા જિલ્લા બહારથી આવતી મહિલા અરજદારની રજૂઆત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, મહિલા અરજદારો સાથે પોલીસ સ્ટેશન જ યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને લગતી અરજી તેમજ ફરિયાદો બાબતે કાયદાકિય કાર્યવાહી કરવા પર ભાર મુક્યો હતો. ઉપરાંત મહિલાઓને લગતા પ્રશ્નો બાબતે તરત જ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જાહેર સ્થળો પર SHE ટીમનું સતત પેટ્રોલિંગ રાખો મહિલાઓના કામકાજના સ્થળો, સ્કૂલ કોલેજો પર અવાર-નવાર અવેરનેશ પ્રોગામનું આયોજન કરવા એસપી અક્ષયરાજ મકવાણાએ તાકીદ કરી હતી. ઉપરાંત વાર-તહેવારે તેમજ જાહેર સ્થળો, પર SHE ટીમનું પેટ્રોલિંગ રાખવા સુચના આપી છે. સાથે સાથે મહિલા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ વોચ પેટ્રોલિંગ રાખી મહિલાઓને લગતા પશ્નો બાબતે વાકેફ થઈ તેમની મુશ્કેલીઓથી વાકેફ થઈ તેના યોગ્ય નિરાકરણ અને કાયદાકિય સુરક્ષા પુરી પાડવા માટે પણ સુચના આપી હતી.
