અગલે બરસ તુ જલદી આ ના નારા સાથે ભક્તોએ ભાલચંદ્રને ભાવભિની વિદાય આપી
ડીજે અને ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી
ભરૂચ.
ભગવાન ગણેશે 10 દિવસનું ધરતી પરનું આતિથ્ય માણ્યા બાદ આજે વિદાય લીધી હતી. ભરૂચમાં ભક્તોએ શ્રદ્ધા ભેર બાપ્પાને વિદાય આપી હતી. વિઘ્નહર્તા શ્રી ગણેશ ધરતી પર લોકોનું આતિથ્ય માણવા આવ્યા હતા. અને ભક્તોએ 10 દિવસ સુધી તેઓનું પૂજન અર્ચન કર્યું હતું. ભરૂચમાં જેબી મોદી પાર્ક, મક્તમપુર તેમજ ગાયત્રીમંદીર પાસે બનાવેલાં કૃત્રિમ કુંડમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1300 જેટલી જ્યારે ભાડભૂત ખાતે આસપાસના ગામ અને ભરૂચ શહેરમાંથી ગયેલી 700થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આજે અનંત ચૌદશના રોજ ભરુચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના..કોલ સાથે વિદાય આપી હતી. ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુરમાં સબસ્ટેશન પાસે અને ઝાડેશ્વરમાં ગાયત્રી મંદીર પાસે કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. અનંત ચતુર્થીના દિવસે આ કુંડોમાં ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી વધામણા કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભરૂચના જેબી મોદી પાર્ક ખાતે 665, ગાયત્રી મંદિર ખાતે 410 તેમજ મક્તમપુર ખાતે 217 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્રની સુચના છતાંય કેટલાંય લોકોએ નર્મદા નદીમાં સીધેસીધુ વિસર્જન પણ કર્યું હતું.

ભાડભૂત ખાતે થઇ રહેલાં વિસર્જન માટે વલસાડથી ખાસ મોટી બોટ મંગાવવામાં આવી હતી. પાંચ જેટલી બોટ તેમજ નર્મદા નદીમાં પાણીનું અવિરત વહેણ તેમજ શ્રીજી વિસર્જન માટે સેવા આપનારા કાર્યકર્તાઓએ સાંજે પાંચ વાગ્યાં સુધીમાં 700 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જોકે, હજી મોટી પ્રતિમાઓની શહેરી રસ્તાઓ પર યાત્રા નિકળી રહી છે. તબક્કાવાર મોટા ગણપતિ નિકળનાર હોય તે પ્રતિમાઓનું મોડી રાત્રે કે પછી સવારે વિસર્જન કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
