બપોરે અઢી વાગ્યે લાગેલી આગને બે કલાકમાં કાબુમાં લેવાઈ : કુલિંગ પ્રોસેસ જારી
1 ભરૂચ ।
દહેજમાં આવેલી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીયલ કંપનીના વેરહાઉસમાં શુક્રવારે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી ઉડતાં ૧૦ કિમી દૂરથી આગ જોઈ શકાઈ હતી. ઘટનાને પગલે કંપની અને ડીઆઈના બે મળી કુલ ૩ ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી. ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક તબક્કે સુત્રોએ જણાવ્યું છે.
દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં કેલ્શિયમ હાઈપોકલોરાઈડનું ઉત્પાદન થાય છે. કંપનીના વેરહાઉસમાં સ્ટોક મુક્યો હતો. ત્યાં શુક્રવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં અચાનક ધૂમાડા ઉઠવાના શરૂ થયાં હતાં. જેને જોતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગની જવાળાઓ અને ધૂમાડાના ગોટા આકાશમાં એટલાં ઉંચા ઉડયા હતાં કે, ૧૦ કિમી દૂરથી પણ આગજનીને જોઈ શકાતી હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના લાશ્કરો તુરંત આગ ઓલવવા માટે તેમના ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી ગયાં હતાં. અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના બે ફાયર ટેન્ડર પણ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. કંપનીમાં આગ લાગ્યાની જાણ થતાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમોએ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. નોંધનિય છે કે, ગત વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જે બાદ પણ તે જ કંપનીમાં પુન: આગ લાગતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. તેમજ આગને કાબુમાં લેવા માટેના તમામ પ્રયાસ શરૂ કર્યાં હતાં. આગજનીની આ ઘટનામાં હજી સુધી કોઈને જાનહાની થઈ હોય તેવા કોઈ મેસેજ મળ્યાં નથી. આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ એફએસએલ ટીમની મદદથી તપાસ કરી આગ લાગવાનું ચોકકસ કારણ જાણી શકાશે. હાલમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. -આશુતોષ મેરૈયા, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ
