ભરૂચ
“સંકલિત બાળવિકાસ યોજનાના પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘટક કક્ષાની ટેક હોમ રાશન અને મિલેટ્સ (શ્રીઅન્ન)માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમુદાયના લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા ટેક હોમ રાશન અને મિલેટસ, અન્નમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે “પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા- ૨૦૨૫” નું ડૉ. બાબ સાહેબ આંબેક્ટર ભવન, ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના વિવિધ સેજાના ટેક હોમ રાશન અને મિલેટસ, શ્રી અન્નમાંથી બનતી વાનગીના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમના વિજેતાઓ ઘટક કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે ‘‘મારી થાળી, મારો પ્રદેશ’’ અંતર્ગત પરંપરાગત અને વિસરાતી જતી વાનગીનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બહેનો દ્વારા બનાવેલી વાનગી રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઓલે ફરજ બજાવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ઉપસ્થિત પ્રજાજનોને બાળકો માટેની વાનગી બનાવતી વખતે સ્થાનિક શાકભાજી, કંદમૂળ વગેરેનો ઉપયોગ કરી આકર્ષિત રીતે બાળકો સામે રજૂ કરવા સમજ આપી હતી.આ કાર્યક્રમમાં ઘટક કક્ષાના મિલેટ્સના ૩ અને T.H.R. ના ૩ વિજેતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
